ગંભીર બેદરકારી: એઇમ્સના નવી બિલ્ડિંગમાં લીકેજથી પાણી ભરાયાં, સીલિંગ તૂટી…!!
રાજકોટમાં એઈમ્સનું લોકાર્પણ થયા બાદ લોકોને ઘણી આશા બંધાઈ હતી. જોકે લોકાર્પણ કર્યાના પ્રથમ ચોમાસામાં જ એઈમ્સના બાંધકામમાં ગુણવત્તાની જોખમી અને ગંભીર બેદરકારીઓ દેખાઈ આવી છે. નવનિર્મિત બિલ્ડિંગમાં પાણી લીકેજ થતા ફોલ્સ સીલિંગ તૂટી પડી છે અને પાણી કાઢવા માટે સ્ટાફ અને ગાર્ડને દોડવું પડ્યું છે. એઈમ્સનું બાંધકામ શરૂ થયું ત્યારથી જ અનેક વિવાદો સામે આવતા રહ્યા છે.
કોન્ટ્રાક્ટરે આ કામ પૂરું કરવામાં સમય મર્યાદાથી ઘણું મોડું કરી નાખ્યું હતું. આ ઉપરાંત ફર્નિચરને લઈને પણ ઘણી વિસંગતતાઓ જોવા મળી હતી આ દરમિયાન અધિકારીઓની બદલીઓ પણ કરવી પડી હતી. આમ છતાં એઈમ્સનું કામ સંતોષકારક જોવા મળ્યું નથી. નવા બિલ્ડિંગમાં પ્રથમ વરસાદે જ પાણી પડવા લાગ્યા હતા. છતમાંથી પાણી સતત ટપકવાથી તે પાણી છતની નીચે બનાવાયેલી થર્મોકોલની ફોલ્સ સીલિંગમાં જમા થતા આ સીલિંગ અને લાઈટ બધું જ તૂટી ગયું હતું. એઈમ્સના નવનિર્મિત બિલ્ડિંગમાં જ ગુણવત્તાની આ ગંભીર બેદરકારી સામે આવી છે.

