અમદાવાદ: પરિણીત મહિલા પર બોસે બળાત્કાર ગુજારીને મહિલાને પીંખી નાખી

અમદાવાદઃ ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલી એક ઓફિસમાં કામ કરતી પરિણીતાએ તેના જ બોસ સામે ફરિયાદ નોંધાવી છે. તેણે તેના બોસ સામે આક્ષેપ કર્યો છે કે તેઓ અવાર નવાર તેને ચાવી કે ચાર્જર લેવાના બહાને બોલાવતા હતા અને બાદમાં બળાત્કાર ગુજારતા હતા. જો મહિલા તેમના તાબે ન થાય તો તેઓ શારિરીક સંબંધોના લીધેલા વિડીયો વાયરલ કરવાની ધમકી આપતા હતા. હાલ સમગ્ર મામલે વાડજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે મૂળ જુનાગઢની અને હાલ ઘાટલોડિયામાં રહેતી 29 વર્ષીય મહિલા તેના પતિ અને પરિવાર સાથે રહે છે. તેણે થોડા સમય પહેલાં ઉસ્માનપુરામાં આવેલી એક કૉમ્યુનિકેશન ઓફિસમાં સેલ્સ એક્ઝિક્યૂટીવ તરીકે નોકરી શરૂ કરી હતી. જેના માલિક મુકેશ રાજપૂત હતા. ઓફિસમાં અન્ય સાત જેટલી યુવતીઓ પણ નોકરી કરતી હતી. બેન્કનો ડેટા મેળવી લીડ મેળવી તેમાં કોલ કરી ક્રેડિટ કાર્ડ આપવાનું કામ આ યુવતીને કરવાનું રહેતું હતું. પણ મુકેશ રાજપૂતે સમયસર પગાર ન કરતા આ મહિલાએ નોકરી છોડી દીધી હતી અને અન્ય જગ્યાએ તે નોકરીએ લાગી હતી. પણ બાદમાં ફરી વધુ પગાર અને કમિશન આપવાની લાલચ આપી મુકેશે તેને ફરી નોકરીએ બોલાવી હતી. કોઇ પણ ક્લાયન્ટ આવે કે નાનું કામ હોય તો આ યુવતીને મુકેશ રાજપૂત વધુ માન સન્માન આપીને તેને જ કામ આપતો હતો.

એક દિવસ આ યુવતી બસસ્ટેન્ડ પર હતી ત્યારે મુકેશે ફોન કર્યો અને તે બીજા દિવસે નથી આવવાનો જેથી ચાવી લેવા માટે યુવતીને ઓફિસે બોલાવી હતી. અન્ય સ્ટાફ જતો રહ્યો હોવાથી બંને એકલા હતા જેથી મુકેશે તે સમયનો લાભ લઇ તેની સાથે શારિરીક સંબંધો બાંધ્યા હતા. બાદમાં એક દિવસ ચાર્જર ભૂલી ગઇ છે તે લઇ જા તેમ કહી તેને ઓફિસ બોલાવી હતી. યુવતીએ સિક્યોરિટી ગાર્ડ સાથે મોકલાવવાનું કહેતા તેણે ધમકી આપી યુવતીને ઓફિસમાં બોલાવી હતી અને ફરી બળાત્કાર ગુજાર્યો હતો.

મહિલાએ આ બાબતને લઇને ગભરાઇ જતા તેણે હવે મુકેશના તાબે ન થવા કહેતા મુકેશે વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી. જેથી મહિલાએ તેના પતિને જાણ કરતા મહિલાએ વાડજ પોલીસસ્ટેશનમાં મુકેશ રાજપૂત સામે આઇપીસી 376,376(સી), 376(2) (એફ),376 (2) (કે), 376 (2) (એન), 506 (2)મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો