અમદાવાદમાં પ્લેન ક્રેશમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી સહિત તમામ 242 લોકોના ઉપરાંત હોસ્ટેલમાં રહેતા લોકોએ પણ જીવ ગુમાવ્યા.

અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ટેક ઑફ કરતી વખતે એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. આ વિમાન ઍરપોર્ટ પરથી બપોરે 1.38 વાગે ટેક ઑફ થયું હતું અને 1.40 વાગે દુર્ઘટના સર્જાઈ હતી. પ્રાથમિક અહેવાલો પ્રમાણે મેઘાણીનગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક આઇજીબી કમ્પાઉન્ડમાં આ ઘટના બની હતી. આ દરમિયાન દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેથી આસપાસના રહીશોમાં ભય ફેલાઈ ગયો હતો. પ્રાથમિક અહેવાલો પ્રમાણે, ટેક ઑફ વખતે વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાતાં આ ઘટના બની હતી. એવું પણ કહેવાય છે કે, આ પ્લેનમાં કોઈ ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાથી દુર્ઘટના સર્જાઈ હતી.

અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી.એસ. મલિકે ન્યૂઝ એજન્સી એસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે, આ વિમાન દુર્ઘટનામાં કોઈપણ મુસાફર બચ્યું નથી. રહેણાંક વિસ્તારમાં વિમાન દુર્ઘટના સર્જાતાં અમુક સ્થાનિકો પણ મૃત્યુ પામ્યા છે. હજુ સુધી મોતનો ચોક્કસ આંકડો આવ્યો નથી. અમુક ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ તેમની સ્થિતિ અત્યંત નાજુક હોવાથી તેમની બચવાની સંભાવના નહિંવત્ત છે. બચાવ કામગીરી હજુ ચાલુ છે.

આ મોટી હસ્તી પણ ફ્લાઈટમાં સવાર હતા

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત કાર્ગો મોટર્સના ગ્રૂપ ફાઉન્ડર પ્રમુખ નંદા, અને તેમનો પરિવાર પણ આ એર ઈન્ડિયા ફ્લાઈટમાં સવાર હતો. તેમના પત્ની નેહા પ્રમુખ નંદા અને પુત્ર પ્રયાસ પ્રમુખ નંદા ફ્લાઈટમાં સવાર હતાં. આ સિવાય લુબીના ડિરેક્ટર સુભાષચંદ્ર અમીન પણ હતાં.

અમદાવાદ એરપોર્ટ ફરી કાર્યરત

અમદાવાદમાં વિમાન દુર્ઘટના બાદ થોડા સમય માટે એરપોર્ટની કાર્યવાહી અટકાવાયા બાદ ફરી એકવાર ફ્લાઈટોનું સંચાલન શરૂ કરાયાની માહિતી મળી રહી છે.

300 થી 400 ફૂટ ઉછળ્યો કાટમાળ

વિમાનનો કાટમાળ 300 થી 400 ફૂટ દૂર સુધી ઉછળીને પડ્યો હતો એટલે હોસ્ટેલ બિલ્ડિંગથી એફએસએલની બિલ્ડિંગ સુધી વિમાનનો કાટમાળ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. દુર્ઘટનામાં હોસ્ટેલની કુલ 4 બિલ્ડિંગ આગની ઝપેટમાં આવી હતી. જેમાં તબીબો અને તેમના પરિવારજનો રહેતા હતા, જેથી તેમના મોતનો આંક વધી શકે છે.

દુર્ઘટનાનું કારણ શું?

અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન ટેકઓફ સમયે ક્રેશ થવા પાછળના પ્રાથમિક કારણો અને દુર્ઘટનાક્રમ અંગે વધુ વિગતો સામે આવી છે. ટેકઓફ થયા બાદ પ્લેનના ટાયર ઈન્સર્ટ ન થતા (અંદર ન જતા) આ દુર્ઘટના સર્જાઈ હતી.

આ સમાચારને શેર કરો