અરજદારોને ધક્કો: જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પ્રશ્ન હોવા છતાં અધિકારીઓ ગેરહાજર રહેતા ખેડૂતોમાં રોષ
મોરબી: મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામને ‘સૌની યોજના’ હેઠળ પાણીનો લાભ અપાવવાના મહત્ત્વપૂર્ણ પ્રશ્ન માટે જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજદારોને બોલાવવામાં આવ્યા હતા. જોકે, આ સંવેદનશીલ મુદ્દે ચર્ચા કરવા માટે કલેક્ટર, અધિક કલેક્ટર, ડીડીઓ સહિત સૌની યોજનાના એક પણ અધિકારી હાજર ન રહેતા ૫૫ કિલોમીટર દૂરથી આવેલા ખેડૂતોને ધક્કો પડ્યો હતો અને ખેડૂતોમાં વ્યાપક રોષ જોવા મળ્યો હતો. ઊંચાઈ પર આવેલું ગામ પાણીથી વંચિત અગાભી પીપળીયા ગામના પ્રતિનિધિઓએ કાર્યપાલક ઇજનેર, સૌની યોજના વિભાગ, રાજકોટ સમક્ષ અગાઉ રજૂઆત કરી હતી કે ગામ ખૂબ જ ઊંચાઈ પર આવેલું હોવાથી પાણીના તળ ઊંડા છે અને તેની ભૌગોલિક પરિસ્થિતિ ઊંધી રકાબી જેવી છે. જેના કારણે વરસાદનું પાણી વહીને અન્ય ગામોમાં જતું રહે છે અને ગામ પાણીની સમસ્યાથી પીડાય છે. આ વિકટ પરિસ્થિતિના કારણે ખેડૂતોને શિયાળુ પાક માટે પાણીની અછત વર્તાય છે, જેના પરિણામે ઉત્પાદન ઓછું આવે છે અને ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે.
નવી પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડવાની રજૂઆત :
અગાઉના સર્વેમાં અધિકારીઓએ ‘ગ્રેવીટી’થી પાણી પહોંચી શકે તેમ નથી તેમ જણાવ્યું હતું. જોકે, અરજદારોએ લિન્ક-3, પેકેજ-6ની મુખ્ય પાઇપલાઇન પરના સાંકળ ૭૨૩૬૩ પર મૂકવામાં આવેલા સ્કાવર વાલ્વ પાસેથી નવી પાઇપલાઇન નાખવાનો વૈકલ્પિક ઉકેલ રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આનાથી અંતર માત્ર ૫.૫ કિમી જેટલું થશે અને વહનનો હેડ પણ ઓછો રહેતો હોવાથી ગ્રેવીટીથી પાણી પહોંચી શકશે. આ પાઇપલાઇન દ્વારા ગામના વોકળા ભરવાથી નજીવા ખર્ચે કામગીરી થઈ શકશે અને વધારાનું પાણી ડેમી-૧ ડેમમાં પણ જશે, જે ડેમ ભરવામાં મદદરૂપ થશે. હાલના નિયમ મુજબ સૌની યોજનાનો લાભ ૩ કિમીની મર્યાદામાં જ મળે છે, પરંતુ ગામની અત્યંત વિકટ પરિસ્થિતિને ધ્યાને લઈને ખાસ કિસ્સામાં લાભ આપવા અપીલ કરવામાં આવી છે.
૫૫ કિમીનો ધક્કો, સમયનો બગાડ :
આ પ્રશ્ન રજૂ કરવા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં હાજર રહેલા વિરેન્દ્રસિંહ જાડેજા (અગાભી પીપળીયા) એ રોષ સાથે જણાવ્યું હતું કે, ખેડૂતલક્ષી મહત્ત્વપૂર્ણ પ્રશ્ન હોવા છતાં સૌની યોજનાના એક પણ અધિકારી હાજર નહોતા. ૫૫ કિલોમીટરનું અંતર કાપીને આવેલા ખેડૂતોનો સમય બરબાદ થયો હતો. તેમણે આ પ્રકારના કાર્યક્રમો યોજીને ખેડૂતોનો ખોટો સમય બગાડવા બદલ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી.

