રાજકોટમાં માત્ર 8 દિવસમાં ડુંગળીના ભાવમાં કિલોદીઠ ₹15થી ₹20નો ઉછાળો
રાજકોટ: મોંઘવારીના માર વચ્ચે હવે ગૃહિણીઓના રસોડાનું બજેટ વધુ ખોરવાય તેવી સ્થિતિ સર્જાઈ છે. ખાંડના ભાવમાં વધારો થયા બાદ હવે ગરીબોની ‘કસ્તુરી’ ગણાતી ડુંગળીના ભાવમાં પણ અચાનક મોટો ઉછાળો નોંધાયો છે. રાજકોટમાં છેલ્લા માત્ર આઠ દિવસમાં ડુંગળીના ભાવમાં કિલોદીઠ આશરે ₹15થી ₹20નો વધારો થયો હોવાનું સામે આવ્યું છે.
હાલ રાજકોટમાં છૂટક બજારમાં ડુંગળીનો ભાવ ₹60થી ₹70 પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. બીજી તરફ રાજકોટ યાર્ડમાં જથ્થાબંધ બજારમાં પણ ડુંગળીના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. યાર્ડમાં ડુંગળીના ભાવ ₹550થી ₹850 પ્રતિ મણ સુધી પહોંચ્યા છે.
આવક ઘટતાં ભાવમાં વધારો
બજારના વેપારીઓના જણાવ્યા મુજબ, ડુંગળીની માંગની સરખામણીએ બજારમાં આવકમાં ઘટાડો થતાં ભાવમાં વધારો થયો છે. આવકમાં ઘટાડો અને માંગ યથાવત્ રહેવાના કારણે છેલ્લા કેટલાક દિવસોમાં ભાવ ઝડપથી ઉપર ગયા છે.
ડુંગળી રોજિંદા રસોઈમાં વપરાતી આવશ્યક ચીજ હોવાથી ભાવ વધારાની સીધી અસર સામાન્ય પરિવારોના ઘરખર્ચ પર પડી રહી છે. ખાસ કરીને નીચી અને મધ્યમ આવક ધરાવતા પરિવારો માટે ડુંગળીના વધતા ભાવ ચિંતાનો વિષય બન્યા છે.
આગામી દિવસોમાં ભાવ હજુ વધી શકે
બજારની વર્તમાન સ્થિતિને જોતા આગામી દિવસોમાં ડુંગળીના ભાવમાં વધુ વધારો થવાની શક્યતા વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો બજારમાં ડુંગળીની આવકમાં વધારો નહીં થાય અને માંગ સામે પુરવઠો ઓછો રહેશે તો છૂટક બજારમાં ભાવ વધુ ઉપર જઈ શકે છે.
ડુંગળીના ભાવમાં થયેલા આ અચાનક વધારાથી એક તરફ ખેડૂતોને સારા ભાવ મળવાની આશા જાગી છે, તો બીજી તરફ ગ્રાહકોના રસોડાના બજેટ પર મોંઘવારીનો વધુ એક બોજ પડ્યો છે.
જોકે આ ડુંગળીના ભાવ વધારાથી ગરીબોના રસોડામાં અસર થશે પણ સાથે ખેડૂતને ભાવ મળશે… પણ વાસ્તવિકતા એ છે કે અત્યારે ડુંગળી ખેડૂત પાસે ઓછી અને વેપારી પાસે વધુ હશે…
