વાંકાનેર: રંગપર જાલીડાના બોર્ડ પાસે ટ્રક અને બોલેરો વચ્ચે અકસ્માત, ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ
વાંકાનેર: વાંકાનેર-રંગપર જાલીડા બોર્ડ પાસે આવેલા 27 નેશનલ હાઈવે પર આજે ટ્રક અને બોલેરો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે બોલેરોનો ડ્રાઈવર વાહનની કેબિનમાં જ ફસાઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ, અકસ્માત બાદ સ્થાનિક લોકો અને બચાવ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ડ્રાઈવરને બહાર કાઢવા માટે જેસીબી અને ક્રેનની મદદ લેવી પડી હતી. ભારે જહેમત બાદ ડ્રાઈવરને કેબિનમાંથી બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.
પ્રાથમિક માહિતી અનુસાર, અકસ્માત બાદ ટ્રકનો ડ્રાઈવર ટ્રક સ્થળ પર જ છોડીને ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે.વધુમાં મળતી માહિતી મુજબ, ઈજાગ્રસ્ત બોલેરોનો ડ્રાઈવર નાળિયેરી ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી અને ફરાર ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસ બાદ વધુ વિગતો સામે આવી શકે છે.




