વાંકાનેર ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી 13 માસ બાદ ભોપાલથી ઝડપાયો

મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્ક્વોડ અને વાંકાનેર તાલુકા પોલીસની સંયુક્ત કાર્યવાહી; ભોગ બનનાર સગીરાને મુક્ત કરાવાઈ

મોરબી : વાંકાનેર તાલુકા વિસ્તારમાંથી લગ્નની લાલચે સગીરાનું અપહરણ કરી છેલ્લા 13 મહિનાથી પોલીસને ચકમો આપી નાસતા ફરતા આરોપીને મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ અને વાંકાનેર તાલુકા પોલીસે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી મધ્યપ્રદેશના ભોપાલ જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીની ચુંગાલમાંથી ભોગ બનનાર સગીરાને પણ હેમખેમ મુક્ત કરાવી છે.

મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં લગ્નની લાલચે સગીરાનું અપહરણ કરવાના ગુનામાં આરોપી સાગર દેવચંદભાઈ વર્મા (ઉ.વ. 22) સામે ગુનો નોંધાયો હતો. ગુનો નોંધાયા બાદ આરોપી છેલ્લા 13 મહિનાથી પોલીસને ચકમો આપી નાસતો ફરતો હતો.

દરમિયાન મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્ક્વોડને ચોક્કસ બાતમી મળી હતી કે, આ ગુનામાં નાસતો ફરતો આરોપી સાગર વર્મા હાલ ભોગ બનનાર સગીરા સાથે મધ્યપ્રદેશના ભોપાલ જિલ્લાના પીપલાની થાણા વિસ્તારમાં રહે છે.

બાતમીના આધારે મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ તથા વાંકાનેર તાલુકા પોલીસની ટીમે સંયુક્ત રીતે ભોપાલ ખાતે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપી સાગર દેવચંદભાઈ વર્મા ભોપાલના પીપલાની વિસ્તારમાંથી ઝડપાઈ ગયો હતો.

પોલીસે આરોપીની ચુંગાલમાંથી ભોગ બનનાર સગીરાને પણ હેમખેમ હસ્તગત કરી હતી. ત્યારબાદ આરોપી તથા ભોગ બનનાર બંનેને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા છે.

આ મામલે પોલીસે આરોપી વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

Follow Us on