Placeholder canvas

વાંકાનેર: વિડી જાંબુડિયામા વનકર્મી ઉપર હુમલો કરનાર આરોપીઓ બે વર્ષ જેલમાં ચક્કી પીસીંગ…

વાંકાનેર : વાંકાનેરના વિડી જાંબુડિયા વન વિભાગની હદમાં માલ ઢોર ચરાવવા પ્રશ્ને બે આરોપીઓ દ્વારા વન કર્મી ઉપર કરેલા હુમલા કેસમાં નામદાર વાંકાનેર કોર્ટે લેખિત, મૌખિક પુરાવા ધ્યાને લઇ બન્ને સગાભાઈ એવા આરોપીઓને બે વર્ષની કેદ અને પાંચ પાંચ હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.

આ કેસની ટૂંકી વિગત જોઈએ તો વર્ષ 2015માં વિડી જાંબુડિયા રેન્જ ફોરેસ્ટ વિભાગ હસ્તકની જમીનમાં આરોપી દિનેશ મોતીભાઈ ગમારા અને મલાભાઈ મોતીભાઈ ગમારા ઘેટાં બકરા અને ગાયો ચરાવતા હોય વન કર્મચારી જયરાજભાઈ નનકુભાઈ વાળાએ વન વિભાગની જમીનમાં કોને પૂછીને ઢોર ચરાવો છો તેવું પૂછતાં બન્ને આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને વનકર્મી ઉપર લાકડી લઈને તૂટી પડતા વન કર્મચારીને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવારમાં માટે હોસ્પિટલમાં ખસેડયા હતા.

આ બનાવ અંગે ફરિયાદી જયરાજભાઈ નનકુભાઈ વાળાએ વાંકાનેર પોલીસ મથકમાં બન્ને સગાભાઈ એવા પલાસ ગામના આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી દિનેશ મોતીભાઈ ગમારા અને મલાભાઈ મોતીભાઈ ગમારા વિરુદ્ધ આઈપીસી કલમ 332, 504, 114, જીપી એકટની કલમ 135 તેમજ વન અધિનિયમ 1927ની કલમ 26(ઘ) મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.

જે અંગેનો કેસ નામદાર વાંકાનેર અદાલતમાં ચાલી જતા અદાલતે 11 મૌખિક અને 8 દસ્તાવેજી પુરાવા ધ્યાને લઇ ફરિયાદ પક્ષની ધારદાર દલીલો લક્ષ્યમાં લઇ આરોપી દિનેશ મોતીભાઈ ગમારા અને મલાભાઈ મોતીભાઈ ગમારાને બે વર્ષની સાદી કેદ અને 5 – 5 હજારનો દંડ ફટકાર્યો છે.

આ સમાચારને શેર કરો