Placeholder canvas

રાજકોટ: બંધ ટ્રક પાછળ ઇકો ઘુસી જતા ગમખ્વાર અકસ્માત, બાળકનું મોત,3 ઘાયલ…

રાજકોટ ભાવનગર હાઇવે પર હલેન્ડા ગામ પાસે બંધ ટ્રક પાછળ ઇકો કાર ધૂસી જતા ચલાલા પંથકના પરિવારને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા માસુમ બાળકનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ત્રણ પરિવારજનો સહિત અમરેલી અખબાર લઈને જતા કાર ચાલકને ઇજા થતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. માતા-પિતાની નજર સામે જ માસુમ બાળક કાળનો કોળિયો બનતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

પ્રાપ્ત વિગત મુજબ વહેલી સવારે રાજકોટ ભાવનગર હાઇવે પર હલેન્ડા ગામ પાસે બંધ ટ્રેક પાછળ GJ-03-BWS-2401 નંબરની ઇકો કાર ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઇકો કારના ચાલક સંજયભાઈ વજુભાઈ તેરૈયા (ઉ.વ.43) ઘવાયા હતા. જ્યારે તેમની કારમાં બેઠેલા ચલાલા પંથકના મીઠાપુર ગામના પ્રવીણભાઈ બચુભાઈ ચૌહાણ (ઉ.વ.40), તેમના પત્ની રંજનબેન પ્રવીણભાઈ ચૌહાણ (ઉ.વ.38), તેમના પુત્ર યશ ચૌહાણ (ઉ.વ.15) અને હર્ષિલ ચૌહાણ (ઉ.વ.11) ઘવાયા હતા.

આ ગમખ્વાર અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલાં માસુમ બાળક હર્ષિલ ચૌહાણનું માતા-પિતાની હાજરીમાં મોત નીપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. આ અંગે જાણ થતાં આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને પોલીસે બાળકના મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી અન્ય પરિવારજનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ સમાચારને શેર કરો