સૌરાષ્ટ્ર

રાજકોટ-અમદાવાદ ને.હાઇવે પર અકસ્માત: ડામર ભરેલા ડમ્પર પાછળ બસ ઘુસી જતા લાગી આગ, 4 લોકોના મોત

ચોટીલા તરફ જઈ રહેલી એક ખાનગી ટ્રાવેલ્સ બસ ડામર ભરેલા વાહન સાથે અથડાઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે, ડામર ભરેલા વાહનનું ટાયર અચાનક ફાટી જતાં પાછળથી આવી રહેલી ટ્રાવેલ્સ બસનો ચાલક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી બેઠો હતો.

ચોટીલા તાલુકાના સાંગાણી ગામ નજીક મોડી રાત્રે રાજકોટ અમદાવાદ નેશનલ હાઇવે પર ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ચાર લોકોના મોત થયાની માહિતી સામે આવી છે. જ્યારે દસ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જણાવવામાં આવ્યું છે. હાલ પોલીસે અકસ્માતના કારણોને લઈને વધુ તપાસ શરૂ કરી છે.

પ્રાથમિક માહિતી અનુસાર, ચોટીલા તરફ જઈ રહેલી એક ખાનગી ટ્રાવેલ્સ બસ ડામર ભરેલા વાહન સાથે અથડાઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે, ડામર ભરેલા વાહનનું ટાયર અચાનક ફાટી જતાં પાછળથી આવી રહેલી ટ્રાવેલ્સ બસનો ચાલક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી બેઠો હતો અને બસ ડામર ભરેલા વાહનના પાછળના ભાગ સાથે જોરદાર અથડાઈ હતી.

અથડામણ બાદ ટ્રાવેલ્સમાં શોર્ટ સર્કિટ સર્જાતા આગ લાગી હતી. અકસ્માત બાદ હાઇવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને મુસાફરોમાં નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ અને વહીવટી તંત્રની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.

ફાયર ફાઇટર દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

જ્યારે ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ તેમજ અન્ય હોસ્પિટલોમાં રિફર કરવામાં આવ્યા હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. હાલ પોલીસે અકસ્માતના કારણોને લઈને વધુ તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો