હાઈવે પર ભયાનક અકસ્માત: શ્રદ્ધાળુઓ ભરેલું છોટા હાથી ખાડામાં ખાબક્યું, ૧૩ ઈજાગ્રસ્ત
મહાશિવરાત્રીના દર્શનાર્થે જઈ રહેલા માઢવાડના ખારવા સમુદાયના પરિવાર સાથે દુર્ઘટના; ૨ની હાલત ગંભીર
ગીર સોમનાથ જિલ્લામાં મહાશિવરાત્રીના પાવન અવસરે એક કરૂણ અકસ્માતની ઘટના સામે આવી છે. સુત્રાપાડા-કોડીનાર હાઈવે પર સોમનાથ મહાદેવના દર્શન કરવા જઈ રહેલા શ્રદ્ધાળુઓથી ભરેલું છોટા હાથી વાહન ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા રોડની સાઈડમાં આવેલા ઊંડા ખાડામાં ખાબક્યું હતું. આ અકસ્માતમાં ૧૩ જેટલા શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર છે.
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, કોડીનાર તાલુકાના માઢવાડ ગામના ખારવા સમુદાયના લોકો મહાશિવરાત્રી નિમિત્તે છોટા હાથી વાહન ભાડે કરીને સોમનાથ મહાદેવના દર્શનાર્થે નીકળ્યા હતા. સુત્રાપાડા-કોડીનાર હાઈવે પર વડોદરા ગામના પાટિયા પાસે એસ્સાર (ESSAR) પેટ્રોલ પંપ નજીક વાહન પહોંચતા અચાનક ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને વાહન સીધું ઊંડા
ખાડામાં ખાબક્યું હતું.
૧૩ મુસાફરો ઈજાગ્રસ્ત, બચાવ કામગીરી હાથ ધરાઈ
અકસ્માતને પગલે વાહનમાં સવાર ૧૩ મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પોલીસની મદદથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે કોડીનારની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં ૨ મુસાફરોની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
CCTV ફૂટેજ સામે આવ્યા
અકસ્માતની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં વાહન પલટી ખાતું સ્પષ્ટ જોઈ શકાય છે. ઘટનાની જાણ થતા જ સુત્રાપાડા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે CCTV ફૂટેજ કબજે કરીને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

