સામસામે અથડામણમાં પંચાસર ગામના 65 વર્ષીય વૃદ્ધનું મોત; અન્ય બાઈકચાલકને ગંભીર ઈજા
વાંકાનેર : વાંકાનેર શહેર નજીક વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે પર ઝાંઝર સિનેમા સામેના સર્વિસ રોડ પર બે બાઈક વચ્ચે સામસામે જોરદાર ટક્કર થતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં પંચાસર ગામના 65 વર્ષીય વૃદ્ધનું ગંભીર ઈજાઓના પગલે કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બાઈકચાલકને ઈજાઓ પહોંચતા સારવાર માટે મોરબીની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે પર ઝાંઝર સિનેમા સામેના સર્વિસ રોડ પર ગઈકાલ સાંજના સુમારે બે બાઈક સામસામે આવી ગયા હતા. દરમિયાન બંને બાઈક વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો.
અકસ્મતમાં પંચાસર ગામના રહેવાસી ઉસ્માનભાઈ મીમનજીભાઈ ભોરણીયા (ઉ.વ. 65)ને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ગંભીર ઈજાઓના કારણે તેમનું કરૂણ મોત નીપજ્યું હતું.
આ અકસ્માતમાં સામેના બાઈકચાલક સુરેશભાઈને પણ ઈજાઓ પહોંચતા સારવાર અર્થે મોરબીની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
બનાવને પગલે આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા. અકસ્માતની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ હતી. આ મામલે પોલીસ દ્વારા અકસ્માત અંગેની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
