વાંકાનેર: વઘાસીયા ટોલનાકા પાસે બાઇક અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં એક યુવાનનું મોત, એકને ગંભીર ઇજા…
વાંકાનેર: નેશનલ હાઇવે પર વઘાસિયા ટોલનાકાથી આગળ એક ટ્રક અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રક ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા બાઇક ચાલક યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું, જ્યારે અન્ય એક યુવાનને પણ ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર બાદ રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવની મળેલ માહિતી મુજબ વઘાસીયા ટોલનાકાથી થોડું આગળ એક ટ્રક અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રક નં. GJ 32 T 8394 ના ચાલકે બેદરકારી પૂર્વક પોતાનું વાહન ચલાવી એક ડબલ સવારી બાઇક નં. GJ 03 FQ 8930 ને હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલક અમરશીભાઈ નંદાભાઈ ઉઘરેજા (ઉ.વ. ૨૭, રહે. દિવાનપરા, વાંકાનેર) ના શરીર પર ટ્રકના વ્હીલ ફરી વળતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું, જ્યારે અન્ય એક યુવાન વિજયભાઈ વસંતભાઈ દલસાણીયા (ઉ.વ. ૨૭, રહે. નવાપરા, વાંકાનેર) ને પણ શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.



