વાંકાનેર

વાંકાનેરના રંગપર નજીક કન્ટેનર ચાલકે બે બાઈક હડફેટે લીધા, પાંચ ઘાયલ

અકસ્માત સર્જ્યા બાદ કન્ટેનર રેઢું મૂકી ડ્રાઇવર નાસી ગયો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના રંગપર નજીક નેશનલ હાઇવે ઉપર ટ્રક કન્ટેનર ચાલકે અકસ્માત સર્જી બે બાઈકને હડફેટે લેતા બન્ને બાઇકમાં સવાર કુલ પાંચ લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા. આ અકસ્માત સર્જ્યા બાદ કન્ટેનર ચાલક વાહન રેઢું મૂકી નાસી ગયો હતો.

આ બનાવ અંગે મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના લાકડધાર ગામે રહેતા હેતલબેન મેરામભાઈ મકવાણા ઉ.34 નામના પરિણીતાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.22ના રોજ તેઓ તથા તેમના પતિ મેરામભાઈ અને પુત્ર ચિરાગ બાઈક ઉપર જતા હતા ત્યારે નેશનલ હાઇવે ઉપર રંગપર નજીક રેડરન કારખાના પાસે તેમના પતિ જીજે – 18 – એઝેડ – 8278 નંબરના ટ્રક કન્ટેનરની સાઈડ કાપવા જતા કન્ટેનર ચાલકે કાવું મારતા ટ્રક સાથે અથડાઈ પડી ગયા હતા. આ અકસ્માતમાં હેતલબેન, મેરામભાઈ અને ચિરાગને ઇજા પહોંચી હતી. વધુમાં આ અકસ્માત બાદ કન્ટેનર ચાલકે જોરદાર બ્રેક મારતા પાછળ આવતા જીજે – 13 – બીડી – 6823 નંબરના બાઈક ચાલક શૈલેષભાઇ પણ અકસ્માતનો ભોગ બનતા શૈલેષભાઇ તેમજ તેમના બાઇકમાં બેઠેલા પ્રવીણભાઈને પણ ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ કન્ટેનર ચાલક વાહન રેઢું મુકી નાસી ગયો હતો.

આ સમાચારને શેર કરો