વાંકાનેર

વાંકાનેર હાઈવે પર ગમખ્વાર અકસ્માત : ચંદ્રપુરના યુવાનને ગંભીર ઈજા, ટંકારાના યુવકનું ઘટનાસ્થળે મોત

વાંકાનેર: વાંકાનેર-રાજકોટ નેશનલ હાઈવે પર કેરળના બોર્ડ સામે રાજા પેટ્રોલ પંપ નજીક આજે બપોરે પાણીના ટેન્કર અને ટ્રક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક યુવકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ આજે બપોરે આશરે 12 વાગ્યાના સુમારે ચંદ્રપુર ગામના પૂર્વ સરપંચ તથા હાલના જિલ્લા પંચાયતના સભ્ય ઇસ્માઇલભાઈ શેરસિયાના પુત્ર સમીર ઈસ્માઈલભાઈ શેરસિયા પાણીનું ટેન્કર લઈને જઈ રહ્યા હતા. તે દરમિયાન રાજા પેટ્રોલ પંપ નજીક એક ટ્રક સાથે ટેન્કરનો ગંભીર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં સમીર ઈસ્માઈલભાઈ શેરસિયાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક વાંકાનેરની પીર મશાયખ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટ સ્થિત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
જ્યારે ટેન્કરમાં તેમની સાથે રહેલા ટંકારાના મેસાણીયા મુકીમ રફીકભાઈ મેસાણીયા (ઉ.વ. 18)ને અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો તેમજ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.

શોકની લાગણી
આ દુર્ઘટનાના પગલે ચંદ્રપુર અને ટંકારા ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. યુવાન વયે મુકીમના અકાળ અવસાનથી પરિવારજનો તથા સ્વજનોમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે.

આ સમાચારને શેર કરો