ઢુવા ઓવરબ્રિજ પાસે પુરપાટ દોડતી સ્કોડા કારે રીક્ષાને ટક્કર મારતા ચાલકનું કરૂણ મૃત્યુ

મોરબી: મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે પર ઢુવા ઓવરબ્રિજ નજીક ગઈકાલે સાંજના સમયે ગંભીર અકસ્માત સર્જાયો હતો. એક પુરપાટ દોડતી કારના ચાલકે માલવાહક રીક્ષાને પાછળથી ટક્કર મારતા રીક્ષા ચાલકનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. અકસ્માત સર્જાયા બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઢુવા ઓવરબ્રિજ પાસેથી પસાર થઈ રહેલી અતુલ માલવાહક રીક્ષાને પાછળથી પૂરઝડપે આવતી સ્કોડા કાર (નંબર GJ 36 AJ 9792)ના ચાલકે જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે રીક્ષા પલ્ટી મારી ગઈ હતી. અકસ્માતમાં ગંભીર ઇજાઓ થવાથી રીક્ષા ચાલક ધરમશીભાઈ દેવસીભાઈ પરમાર (રહે. વાદી વસાહત પાસે, નવા મકનસર)નું કરૂણ મૃત્યુ થયું હતું. જ્યારે અકસ્માત સર્જીને સ્કોડા કારનો ચાલક ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો.

આ બનાવ અંગે મૃતકના ભાઈ જીવરાજભાઈ પરમારએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં અકસ્માત સર્જી નાસી ગયેલા સ્કોડા કાર ચાલક વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને ફરાર કાર ચાલકની શોધખોળ માટે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો