Placeholder canvas

રાજકોટમાં બસપોર્ટ નજીક બોલેરો પાછળ બાઇક અથડાતા યુવાનનું મોત.

રાજકોટમાં આજે વહેલી સવારે ઢેબર રોડ પર એસટી બસ પોર્ટના ગેટ સામે વહેલી સવારે જીવલેણ અકસ્‍માત સર્જાયો હતો. એક બાઇક રોડ સાઇડમાં ઉભેલી બોલેરો સાથે અથડાતા ચાલક યુવાનને કપાળ અને માથામાં ગંભીર ઇજા પહોંચતા મોત નીપજ્યું હતું. મૃતક યુવાન રૈયા રોડ તિરૂપતીનગરમાં રહેતો હતો. યુવાન સલૂનની દુકાનમાં કામ કરતો હતો. ગત મોડી રાત્રિના સહકાર રોડ પર વરરાજાને તૈયાર કરવા ગયો હતો અને ત્‍યાંથી પરત આવતી વખતે આ બનાવ બન્‍યો હતો. કરૂણતા એ છે કે આ યુવાન બે બહેનનો એકનો એક ભાઇ અને પરિવારનો આધારસ્‍તંભ હતો.

જાણવા મળ્‍યા મુજબ રૈયા રોડ હનુમાન મઢી પાસે તિરૂપતીનગર 4માં રહેતો ભૂપેન્‍દ્ર (વિક્કી) જયસુખભાઇ બગથરીયા (ઉં.વ.35) નામનો યુવાન સવારે ત્રણેક વાગ્‍યે પોતાનું બાઇક લઈ જતો હતો. ત્‍યારે ઢેબર રોડ એસટી બસપોર્ટ પાસે પહોંચ્‍યો તે વખતે બોલેરો પાછળ બાઇક અથડાતાં માથા અને કપાળે ગંભીર ઇજા પહોંચી હતી. કોઈએ જાણ કરતાં 108 પહોંચી હતી અને તેને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ અહીં મોત નીપજતાં હોસ્‍પિટલ ચોકીએ એ-ડિવિઝન પોલીસને જાણ કરી હતી.

આ સમાચારને શેર કરો