વાંકાનેર

વાંકાનેર બાઉન્ડ્રી પાસે સ્વિફ્ટ કારને નડ્યો અકસ્માત: 16 વર્ષીય સગીરાનો પગ કપાઇ ગયો

મોરબી : વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વાંકાનેર બાઉન્ડ્રી ભલગામ પાસે આવેલા પુલ નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવતી સ્વિફ્ટ કારનું ટાયર ફાટતા કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં 16 વર્ષની સગીરાનો જમણો પગ કપાઈ ગયો હતો, જ્યારે અન્ય એક વ્યક્તિને બંને પગમાં ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જીને બેફિકરાઈથી ડ્રાઇવિંગ કરવા બદલ કાર ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગત તારીખ 10/04/2026 ના રોજ બપોરના આશરે 4 વાગ્યાના અરસામાં ફરિયાદી રમેશભાઈ ઉર્ફે હકાભાઈ નારણભાઈ કડવાણી (ઉ.વ. 47, ધંધો મજૂરી, રહે. બામણબોર નવાપરા, તા. જિ. રાજકોટ, મો. 9265110473) ની 16 વર્ષીય દીકરી સર્ધાબેન ઉર્ફે શારદાબેન, તેમજ વિરાજભાઈ, સંજયભાઈ અને આરોપી કાર ચાલક રાહુલભાઈ ધરજીયા (રહે. ગારીડા, તા. જિ. રાજકોટ) સ્વિફ્ટ કાર (રજીસ્ટ્રેશન નંબર GJ-03-KH-1696) માં બેસીને કૂચિયાદળ ગામેથી મેસરિયા ગામ ખાતે ગોલા ખાવા માટે ગયા હતા.

ગોલા ખાઈને તેઓ પરત કૂચિયાદળ ગામ ખાતે જઈ રહ્યા હતા ત્યારે સ્વિફ્ટ કાર આરોપી રાહુલભાઈ ચલાવી રહ્યો હતો. વાંકાનેર બાઉન્ડ્રી ભલગામ પુલ પાસે પહોંચતા ચાલકે કાર પૂરઝડપે અને બેફિકરાઈથી ચલાવતા કારની ખાલી સાઇડનું આગળનું ટાયર ફાટી ગયું હતું. જેના કારણે તેણે કાર પરનો કાબૂ ગુમાવતા ગાડી રોડની સાઇડમાં આવેલા પતરાના ડિવાઇડર સાથે અથડાવી દીધી હતી.

આ ગંભીર અકસ્માતમાં સર્ધાબેન ઉર્ફે શારદાબેનને જમણા પગમાં ડિવાઇડરનું પતરું લાગી જતાં પગ કપાઈ ગયો હતો અને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે સાથે રહેલા વિરાજભાઈને પણ બંને પગમાં ઈજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે 20/04/2026 ના રોજ રાત્રે 22:00 વાગ્યે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આરોપી ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો