અમદાવાદના દંપતિને ચોટીલા પાસે અકસ્માત નડયો: યુવાનનું મોત

દંપતિ કોટડા સાંગાણી લૌકિકે આવતા’તા: અકસ્માત સર્જનાર વાહન ચાલક સામે ગુન્હો નોંધવા તજવીજ: બે પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી
રાજકોટ: કોટડા સાંગાણી લૌકીકે આવી રહેલા અમદાવાદના દંપતીને ચોટીલા પાસે અકસ્માત નડતાં દંપતિને સારવાર માટે સિવીલ હોસ્પિટલે ખસેડયા હતા. આ અંગે ઘવાયેલા દંપતિમાંથી યુવાનનું સારવારમાં મોત નિપજ્યું હતું જ્યારે યુવાનના મોતથી બંને પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. આ અંગે અકસ્માત સર્જનાર વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધવા તજવીજ આદરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદના વટવામાં રહેતા લોરેન્સકુમાર ઉપકારભાઇ ખ્રીસ્તી (ઉ.વ. 38) અને તેમના પત્ની ભારતીબેન લોરેન્સભાઇ (ઉ.વ. 30) બંને ગઇકાલે સવારના ચોટીલા દર્શન કરી રાજકોટ તરફ કોટડા સાંગાણી તેના ફઇનું અવસાન થતાં ત્યાં લૌકીકે આવતા હતા ત્યારે ચોટીલાથી આગળ અજાણ્યા વાહને હડફેટે લેતા લોરેન્સકુમાર અને તેમના પત્ની ભારતીબેન ગંભીર રીતે ઘવાયા હતાં.જેમને અત્રેની સિવિલ હોસ્પીટલે ખસેડવામાં આવતા લોરેન્સકુમારે સારવારમાં દમ તોડી દીધો હતો.

તેઓને સંતાનમાં બે પુત્રી છે અને ડ્રાઇવીંગ કામ કરતા પરિવારનું ગુજરાન ચલાવતા હતા. અકસ્માતને પગલે રસ્તા પર ટ્રાફિકજામ થઇ ગયો હતો જેને પગલે ચોટીલા પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ક્લીયર કરાવ્યો હતો તેમજ અકસ્માત સર્જનાર વાહન ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
