સૌરાષ્ટ્ર

સરધાર પાસે બે કાર વચ્ચે અકસ્માત થતા બન્ને કાર અગનગોળો બની ગઈ, ત્રણ લોકો જીવતા ભૂંજાયા…

રાજકોટ નજીક ભાવનગર હાઇવે પર સરધાર પાસે બે કાર અથડાઈ હતી. બાદમાં બંને કારમાં ભીષણ આગ ફાટી નીકળતા અગનગોળો બની ગઈ હતી. આ ગોઝારા અકસ્માતમાં ત્રણ લોકો ભડથું થતા ત્રણેયના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. જ્યારે ઘાયલ અને અન્ય દાઝી ગયા હોય તેવા લોકોને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.

મળતી માહિતી પ્રમાણે રાજકોટ-ભાવનગર હાઈવે પર સરધાર ગામ પાસે હોન્ડા સિટી અને અલ્ટો કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. બાદમાં બન્ને કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આથી અંદર રહેલા લોકો બહાર નિકળી એ પહેલા બન્ને કારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ અકસ્માતમાં ત્રણ લોકો જીવતા ભૂંજાતા અરેરાટી વ્યાપી ગઈ છે. જ્યારે ઘાયલ અને દાઝેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.

આ ઘટનાને પગલે સ્થાનિક લોકો દોડી ગયા હતા અને બન્ને કારમાં લાગેલી આગને બુઝાવવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. તેમજ દાઝેલા લોકોને 108 મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા છે. આ ગોઝારા અકસ્માતને લઈને ફાયરબ્રિગેડની ટીમ દોડી ગઈ હતી અને અગનગોળો બનેલી બંને કાર પર પાણીનો મારો ચલાવ્યો હતો. આગ કાબૂમાં આવે તે પહેલા જ બંન્ને કાર બળીને ખાક થઈ ગઈ છે. તેમજ સરધાર પોલીસ પણ દોડી જઈ વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો