Placeholder canvas

વાંકાનેરમાં જન સંવેદના યાત્રામાં ભાજપ સરકાર ઉપર ‘આપ’ના આકરા પ્રહાર

કોરોનામાં મૃત્યુ પામેલ વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ અપાઈ

વાંકાનેર : વાંકાનેરમાં આમ આદમી પાર્ટી આયોજિત જન સંવેદના મુલાકાત કાર્યક્રમ અંતર્ગત કોરોના કાળમાં મૃત્યુ પામેલ વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. સાથે જ ભાજપ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. તેમજ વાંકાનેર તાલુકાના મહત્વના આગેવનો અને લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

હાલ સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી દ્વારા જન સંવેદના મુલાકાત કરવામાં આવી રહી છે ત્યારે આજે જન સંવેદના મુલાકાત અંતર્ગત વાંકાનેર તાલુકાના ચંદ્રપુર અને પીપળીયા રાજ ગામે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલભાઈ ઇટાલીયા, પ્રવિણભાઇ રામ, પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઈ લોખીલ, મોરબી જિલ્લાના પ્રમુખ યોગેશભાઈ રંગપરીયા, ખેડૂત અગ્રણી ગોવિંદભાઈ વાલાણી સહિતના હાજર રહી કોરોના કાળમાં મૃત્યુ પામેલ વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

આજે ચંદ્રપુરની જાહેરસભામાં ગોપાલ ઇટાલીયાએ ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, હવે સમય આવી ગયો છે. ભાજપને જાકારો આપવાનો, ભાજપ સરકારે છેલ્લાં બે વર્ષમાં છ હજારથી વધુ શાળાઓ બંધ કરી દીધી છે. આ સરકારના રાજમાં લોકોને જીવતા જીવ તો બધી કચેરીઓમાં લાંચ આપવી પડે છે. પરંતુ કોરોનાકાળમાં સ્વજનોને સ્મશાને અગ્નિસંસ્કાર આપવા માટે લાંચ દેવી પડી છે. જે લોકો ક્યારેય નહીં ભૂલે.

વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામનો કાર્યક્રમ પતાવીને પીપળીયારાજ જઈ રહ્યા હતા એ દરમિયાન ગોપાલ ઇટાલીયાની તબિયત બગડતા તેઓને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને જેમના કારણે તેઓ પીપળીયારાજના પ્રોગ્રામમાં હાજરી આપી શક્યા નહોતા. તેમજ ગારીયા ગામનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને ગોપાલ ઇટાલીયા અને ઈશુદાનભાઈ ગઢવીને સાંભળવા માટે મોટી સંખ્યામાં આવેલા લોકો નિરાશ થયા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા તોફિક અમરેલીય, આરીફ બ્લીચ, ઉસ્માનગની શેરસીય, અર્જુનસિંહ વાળા અને વાંકાનેર આપની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

આ સમાચારને શેર કરો