રૂ.100નો દારૂ પીવડાવી યુવકની નસબંધી કરી નાખી!: ૧મહિના બાદ અપરણિત યુવાનના લગ્ન હતા..!!
ખ્યાતિના ઓપરેશન કાંડ બાદ વધુ એક ચોંકાવનારો ઓપરેશન કાંડ સામે આવ્યો છે. મહેસાણાના યુવાનની જાણ બહાર નસબંધીનું ઓપરેશન કરી દેવાયાનો આક્ષેપ કરાયો છે. નવી સેઢાવી ગામ નજીક વગડામાં રહેતો યુવાનની જાણ બહાર ગાંધીનગરના અડાલજ સામૂહિક કેન્દ્રમાં નસબંધીનું ઓપરેશન કરાયું કિસ્સો સામે આવ્યો છે.
ખ્યાતિ કાંડની તપાસ હજુ ચાલી રહી છે તે વાત હજુ સમી નથી ત્યાં તો વધુ એક તબીબી સેવાને કલંકિત કરતી ઘટના સામે આવી છે. ભોગ બનનાર યુવકએ આક્ષેપ કર્યો છે કે, તેની જાણ બહાર તેને દારૂ પીવડાવીને 29 નવેમ્બરે અડાલજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નસબંધીનું ઓપરેશન કરવામાં આવ્યું છે. ઓપરેશન માટે અડાલજ સામૂહિક કેન્દ્રના ઓપરેશન થિયેટરનો ઉપયોગ કરાયોની વાત પણ સામે આવી છે.
સરકારી ટાર્ગેટ પૂરા કરવા કાગળ પર કુટુંબ નિયોજનનાં ઓપરેશન, શાળામાં બાળકોના હીમોગ્લોબિન કેમ્પ કાગળ પર બતાવવા જેવાં અનેક પ્રકરણો અવારનવાર સામે આવતાં રહેતાં હોય છે, ત્યારે આરોગ્ય વિભાગનું વધુ એક ભોપાળું ખુલ્લું પડ્યું છે. મજૂરી કરવા જવાનું કહીને આરોગ્યકર્મચારી આ યુવકને લઈ ગયા હતા, જ્યાં પ્રથમ ગામમાં દારૂ પિવડાવ્યો હતો, જેથી આ યુવક ભાનમાં ન રહેતાં તેની નસબંધી કરી નાખી હતી, જેવા આક્ષેપ પરિવારજનોએ કર્યા છે. જાણીને નવાઈ લાગશે કે જે યુવકની નસબંધી કરાઈ છે તે યુવકના એક મહિના બાદ લગ્ન હતા અને જ્યારે પરિવારને આ નસબંધી બાબતે જાણ થતાં તમામ સ્તબ્ધ બની ગયા હતા. આ મુદ્દે પરિવારે હંગામો મચાવ્યો હતો. એ બાદ જવાબદારોએ પોતાની ભૂલ સુધારવા ઓપરેશન ખોલવાની હિલચાલ શરૂ કરી દીધી છે.