માળીયા મિયાણા

માળીયાના વિશાલનગર-સુલતાનપુર રોડ પર ભેંસ સાથે બાઈક અથડાતા હળવદના યુવાનનું મોત…

માળીયા મિયાણા તાલુકાના વિશાલનગરથી સુલતાનપુર તરફ જવાના માર્ગ પર પશુ આડે ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં હળવદના એક આશાસ્પદ યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે. રાત્રિના સમયે કોઝવે પાસેથી પસાર થતી વખતે ભેંસ સાથે બાઈક અથડાતા આ ગમખ્વાર બનાવ બન્યો હતો.

પશુ આડે ઉતરતા બાઈક પટકાયું
મળતી માહિતી મુજબ, હળવદ તાલુકાના મિયાણી ગામે રહેતો અજયભાઈ કરસનભાઈ ઝિંઝવાડીયા (ઉં.વ. ૨૫) નામનો યુવાન પોતાનું બાઈક (નંબર GJ-36-AE-0613) લઈને વિશાલનગરથી સુલતાનપુર રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન માર્ગમાં આવેલા કોઝવે નજીક અચાનક ભેંસ આડી ઉતરતા બાઈક તેની સાથે ધડાકાભેર અથડાયું હતું.

હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત
આ અકસ્માતમાં અજયભાઈ બાઈક પરથી નીચે પટકાતા તેમને શરીરે અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ લોહીલુહાણ હાલતમાં ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જોકે, ટૂંકી સારવાર બાદ યુવાનનું મોત નીપજતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

પોલીસ કાર્યવાહી
આ બનાવ અંગે મૃતક યુવાનના ભાઈ ગોપાલભાઈ કરસનભાઈ ઝીંઝવાડીયા (ઉં.વ. ૨૬) એ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે અકસ્માતનો ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાઈવે અને ગ્રામ્ય માર્ગો પર રખડતા પશુઓને કારણે વધુ એક યુવાને જીવ ગુમાવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ સમાચારને શેર કરો