વાંકાનેર: વાંકાનેર શહેરની ધમલપર ચોકડી પાસે આવેલા ફોર્ચ્યુન ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં અકસ્માતની ગંભીર ઘટના બની હતી. હાઇડ્રો મશીનથી લોખંડનો ટાકો વાહનમાં ચડાવવામાં આવી રહ્યો હતો ત્યારે અચાનક લોખંડનો ટાકો માથે પડતા 33 વર્ષીય યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સારવાર દરમિયાન યુવકનું મૃત્યુ નીપજ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલમાં હસનપર ખાતે રહેતા કુશહર જગલાલ ગોંડ (ઉં.વ.33) ફોર્ચ્યુન ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા હતા. ગત તા. 8 સપ્ટેમ્બરના રોજ હાઇડ્રો મશીનની મદદથી લોખંડનો ટાકો વાહનમાં ચડાવવામાં આવી રહ્યો હતો ત્યારે અચાનક લોખંડનો ટાકો કુશહર ગોંડના માથે પડ્યો હતો.
અકસ્મતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા કુશહરને અર્ધબેભાન હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
