હવે ધાબળા,કોટ કાઢી લેજો: બે દિવસમાં જોરદાર ઠંડીનો રાઉન્ડ આવી રહ્યો છે,લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચું જશે.
ડિસેમ્બર મહિનો શરૂ થઈ ગયો હોવા છતાં હજુ સુધી ગુજરાતમાં જોઈએ તેવો શિયાળો જામ્યો નથી. દક્ષિણ ભારતના દરિયા કાંઠે લેન્ડ ફૉલ થયેલા ‘ફેંગલ’ વાવાઝોડાની અસરના ભાગરૂપે ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતુ. રાજ્યના તાપમાનમાં વધારો નોંધાયો હતો, તો કેટલાક ભાગોમાં છૂટાછવાયા ઝાપટા પણ પડ્યા હતા. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં ઠંડીને લઈને મોટી આગાહી કરી છે.
પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, અત્યારે ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશો, જેમ કે જમ્મુ-કાશ્મીર, લેહ-લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાંથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટબન્સ પસાર થઈ રહ્યું છે, જેથી ત્યાં બરફ વર્ષા શરૂ થઈ ચૂકી છે. જેના બર્ફીલા પવનો ઉત્તર-પૂર્વ ફૂંકાઈને ગુજરાત તરફ આવશે. જેના કારણે ગુજરાતમાં ઠંડીનો રાઉન્ડ આવશે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં ઠંડીનો 2-3 દિવસ પુરતો નાનો રાઉન્ડ જ જોવા મળ્યો હતો. જેમાં લઘુત્તમ તાપમાન 11 થી 12 ડિગ્રી જેટલું નોંધાયું હતુ. જો કે આગામી 2 દિવસમાં સારો એવો ઠંડીનો રાઉન્ડ આવશે. 4-5 દિવસ સુધી રહેનારા આ ઠંડીના રાઉન્ડમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી પણ નીચે જઈ શકે છે.
આ રાઉન્ડમાં ઉત્તર ગુજરાતના ઈડર, પાલનપુર, વાવ, ઈકબાલગઢ, વાવ, થરાત તેમજ કચ્છના મુન્દ્રા, માંડવીમાં 10 ડિગ્રીથી નીચું તાપમાન જઈ શકે છે. જ્યારે સૌરાષ્ટ્રમાં પણ અમરેલી, જૂનાગઢ અને ઉનામાં તાપમાન નીચું જશે. રાજ્યના અન્ય ભાગોમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. આ દરમિયાન બપોરના સમયે ઠંડીનો અહેસાસ થશે.
જો કે આ રાઉન્ડને કોલ્ડવેવ ના કહી શકાય, પરંતુ તીવ્ર ઠંડી જરૂર ગણાય. 2024ના ખરા શિયાળાની સૌથી વધુ ઠંડીની શરૂઆત આ રાઉન્ડથી શરૂ થાય તેવી શક્યતા રહેશે. અત્યાર સુધી આપણને કાતિલ ઠંડીનો અનુભવ નહતો થતો, પરંતુ બે દિવસમાં કાતિલ ઠંડીની શરૂઆત થઈ જશે.

