સૌરાષ્ટ્રભરમાં ઉલ્ટી-ઉબકા કરી પેસેન્જરોના ખિસ્સા હળવા કરતી રીક્ષા ગેંગ ઝડપાઈ…
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ઉલ્ટી-ઉબકા કરી પેસેન્જરોના ખિસ્સા હળવા કરતી રીક્ષા ગેંગને ક્રાઈમ બ્રાન્ચની ટીમે બેડી ચોકડી પાસેથી ઝડપી લઈ કુલ રૂ।.91 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. રીક્ષા ગેંગે રાજકોટ, અમદાવાદ મોરબી, ટંકારા, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં 22 થી વધું પેસેન્જરોને લૂંટયા હોવાની કબૂલાત આપી હતી.
શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા,એડી.સીપી મહેન્દ્ર બગરીયા,ડીસીપી (કાઇમ) ડો.પાર્થરાજસિંહ ગોહિલ,એસીપી (ક્રાઇમ) ભરત બસીયાએ દ્રવારા મિલ્કત સંબંધી તેમજ વાહનચોરી/મોબાઇલ ચોરી તેમજ રીક્ષા તથા અન્ય પેસેન્જર વાળા વાહનોમાં પેસેન્જર બેસાડી બાદ પેસેન્જરના પાકીટ (રૂપીયા) ચોરીના બનતા ગુન્હાઓ અટકાવવાની આપેલ સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમ.એલ.ડામોરની રાહબરીમાં પીએસઆઇ એમ.કે.મોવલીયા ટીમ સાથે અલગ અલગ પોલીસ મથકમાં નોંધાયેલ ચોરીના બનાવ ડિટેકટ કરવાં તપાસમાં હતાં ત્યારે હેડ કોન્સ્ટેબલ વિજયરાજસિંહ જાડેજા, કોન્સ્ટેબલ તુલશી ચુડાસમા, સંજય ખાખરીયા, પ્રવીણ જતાપરાને મળેલ ચોક્કસ બાતમીના આધારે પેસેન્જરની નજર ચુકવી પેસેન્જરના ખીસ્સામાંથી રૂપીયાની ચોરી કરતી ગેંગ મોરબી રોડ બેડી ચોકડીથી આગળ મામા સાહેબના ખીજડા પાસેથી પકડી પાડી હતી.
આ ગેંગના પકડાયેલા આરોપીમાં દિનેશ ઉર્ફે કાળીયો હરી ડાભી (ઉ.વ.24) (રહે. હાલ શીવનગર શે.નં.1 બજરંગ ડેરીની સામેની શેરીમાં ગ્રીનલેન્ડ ચોકડી), કિશન મગન વાંજા (ઉ.વ.25), (રહે. માલધારી સોસાયટી શે.નં.3, બાપાસીતારામ ચોક પાણીના સંપની બાજુમાં, ગાર્ડન રેસ્ટોરન્ટ આર.ટી.ઓ. પાસે), આકાશ કિશન વાણોદીયા (ઉ.વ.25),( રહે.ઘંટેશ્વર 25 વારીયા) અને પ્રકાશ ઉર્ફે બકુલ નથુ સોલંકી (ઉ.વ.24),( રહે. હાલ ગ્રીનલેન્ડ ચોકડીની પાસે ગાર્ડન પરોઠા હાઉસ પાસે) ની ધરપકડ કરી રીક્ષા અને રોકડ મળી કુલ રૂ.1.91 લાખની મતા કબ્જે કરી હતી.
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, રીક્ષા ગેંગનો મુખ્ય સૂત્રધાર સુરેશ હરિ ડાભી અને તેની માતા હજું પોલીસ પકડથી દૂર છે. તેમજ પકડાયેલ ચાર આરોપીમાંથી દિનેશ અને ફરાર સુરેશ બંને મુખ્ય આરોપી છે અને અન્ય આરોપીમાંથી જ્યારે પણ ત્રણ શખ્સો મળે ત્યારે ચોરીને અંજામ આપવા નીકળી જતાં હતાં. જેમાં એક શખ્સ ડ્રાઇવિંગ સીટ પર બેસે જ્યારે એક શખ્સ પાછળ બેસતો અને એક શખ્સ રીક્ષા બહાર ઉભો રહેતો, જ્યારે કોઈ પેસેન્જર આવે એટલે બહાર ઉભેલો શખ્સ પણ રીક્ષામાં બેસી જતો અને થોડે આગળ રીક્ષા જાય એટલે ઉલ્ટી ઉબકાના નાટક કરી પેસેન્જરની નજર ચૂકવી ચોરીને અંજામ આપતાં હતાં.
રીક્ષા ગેંગે રાજકોટ, મોરબી, ટંકારા, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં 22 થી વધું પેસેન્જરોને લૂંટયા હોવાની કબૂલાત આપી હતી. ઉલ્લેખનીય છે કે, પકડાયેલ ચારેય શખ્સો વિરૂદ્ધ દારૂ, ચોરી સહિતના અનેક ગુના પણ પોલીસમાં નોંધાયેલ છે.

