માર્કેટ ચોક કા રાજા મહોત્સવ સમિતિના આયોજનમાં શહેરના મુખ્ય માર્ગો ગણપતિમય બનશે; જીનપરાથી સવારે 10 વાગ્યે શોભાયાત્રાનો પ્રારંભ
વાંકાનેર : ગણેશ ચતુર્થીના પાવન પર્વને લઈ વાંકાનેર શહેર અને તાલુકામાં ગણપતિ મહોત્સવની ઉજવણીનો માહોલ છવાઈ ગયો છે. વિવિધ પંડાલોમાં ગણપતિદાદાની સ્થાપનાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ મહોત્સવ સમિતિ દ્વારા આયોજિત ભવ્ય શોભાયાત્રામાં શહેર તથા તાલુકાના 45થી વધુ પંડાલોના ગણપતિદાદા નગરચર્યા કરશે.
મળતી વિગતો મુજબ વાંકાનેર શહેરમાં માર્કેટ ચોક ખાતે શાખાના મેદાનમાં છેલ્લા 17 વર્ષથી શ્રી માર્કેટ ચોક કા રાજા ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આવતીકાલે તા. 14 સપ્ટેમ્બર, સોમવારે ગણેશ ચતુર્થીના દિવસે સવારે 10 વાગ્યે જીનપરા સ્થિત શ્રી વિશ્વકર્મા મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ થશે.
શોભાયાત્રામાં માર્કેટ ચોક કા રાજાની 12 ફૂટ ઊંચી વિઘ્નવિનાયકની મૂર્તિ સાથે વાંકાનેર શહેર તથા તાલુકાના 45થી વધુ પંડાલોના ગણપતિદાદા જોડાશે. શહેરના મુખ્ય માર્ગો પરથી નીકળનારી આ એક જ ભવ્ય શોભાયાત્રાને લઈને ગણેશ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
મહારાષ્ટ્રની પરંપરાથી પ્રેરિત શોભાયાત્રામાં ટી-શર્ટ અને ટોપી પહેરીને રાજકીય, સામાજિક તથા વિવિધ ધાર્મિક સંસ્થાઓના આગેવાનો, સાધુ-સંતો-મહંતો, પંડાલોના આયોજકો-કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં લોકો જોડાશે. ડી.જે.ના તાલે અને ઢોલ-નગારા સાથે નીકળનારી શોભાયાત્રાથી વાંકાનેર શહેર ગણપતિમય બની જશે.
જીનપરા સ્થિત શ્રી વિશ્વકર્મા મંદિરથી પ્રસ્થાન કર્યા બાદ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થશે. જે-જે સ્થળે પંડાલો આવેલા હશે ત્યાં વિધિ-વિધાન સાથે ગણપતિદાદાની સ્થાપના કરવામાં આવશે અને ત્યારબાદ શોભાયાત્રા આગળ વધશે.
અંતે શોભાયાત્રા માર્કેટ ચોક ખાતે આવેલા શાખાના મેદાનમાં પહોંચશે, જ્યાં માર્કેટ ચોક કા રાજાની વિઘ્નવિનાયક મૂર્તિની શુભ ચોઘડિયામાં ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે વિધિવત્ સ્થાપના કરવામાં આવશે.
આ ભવ્ય શોભાયાત્રામાં સમસ્ત હિન્દુ સમાજને મોટી સંખ્યામાં જોડાવા માટે શ્રી માર્કેટ ચોક કા રાજા ગણપતિ મહોત્સવ સમિતિના અધ્યક્ષ અને ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.

