Placeholder canvas

વિચિત્ર અકસ્માત: ટંકારા નજીક બોલેરોને ઠોકરે ચડાવી ટ્રક ખેતરમાં કુદરતી હાજતે બેઠેલા યુવાન ઉપર ચડી ગયો, મોત

સુરેન્દ્રનગરના પાટડીથી દ્વારકા જતા યાત્રિકને વિચિત્ર અકસ્માત નડ્યો

ટંકારા : ટંકારાના હીરાપર નજીક આજે એક વિચિત્ર અકસ્માતમાં રોડ ઉપર પડેલી બોલેરો કારને હડફેટે લઈ ટ્રક ખેતરમાં ઘુસી ગયો હતો અને ખેતરમાં કુદરતી હાજતે બેઠેલા દ્વારકા જતા યાત્રિકને હડફેટે લેતા સુરેન્દ્રનગરના પાટડી ગામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.

આ વિચિત્ર અકસ્માતની ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ સુરેન્દ્રનગરના પાટડીથી આજે 45 લોકો બસમાં દ્વારકા જવા નીકળ્યા હતા અને ટંકારાના હીરાપર ગામ નજીક યાત્રિકોની બસ જમવા માટે રોકાયા હતા. બરાબર આ જ સમયે જીજે – 03 – ડબ્લ્યુ – 7924 નંબરના ટ્રક ચાલકે રોડ ઉપર પડેલી બોલેરો સાથે અકસ્માત સર્જી ખેતરમાં ઉતરી ગયો હતો. જો કે આ અકસ્માતની વક્રતા એ હતી કે અકસ્માત સર્જી ટ્રક ખેતરમાં ઉતરી ગયો ત્યારે ખેતરમાં કુદરતી હાજતે બેઠેલા દ્વારકા જતા યાત્રિક ગીરીશકુમાર ચંદુભાઈ આહજોલિયા ઉ.33 રહે.પાટડી ઉપર ટ્રક ફરી વળતા તેમને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. તપાસ ટંકારા બી બિટના જમાદાર ઈમ્તિયાઝભાઈ ઝામ ચલાવી રહ્યા છે.

આ સમાચારને શેર કરો