રામપરા અભ્યારણમાં માલ-ઢોર ચરાવવાની ના પાડતા ફોરેસ્ટ કર્મચારીને પડ્યો માર

વાંકાનેર : વિડીભોજપરા ગામની સીમમાં આવેલ રામપરા અભ્યારણમા માલ-ઢોર ચરાવવાની ના પાડતા બે શખ્સોએ ફોરેસ્ટના કર્મચારીને લાકડી ફટકારીને ઇજા પહોંચાડી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે રામપરા અભ્યારણના કર્મચારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ શખ્સો સામે હુમલો અને ફરજમાં રૂકાવટની કલમો હેઠળ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વાંકાનેર પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ વાંકાનેરના વિડીભોજપરા ગામ પાસે આવેલ રામપરા અભ્યારણમા નોકરી કરતા વિપુલભાઇ જશમતભાઇ ગોહીલ (ઉ.વ.૨૮) એ આરોપીઓ વિભાભાઇ નવઘણભાઇ, ઝાલાભાઇ સિધાભાઇ ગરીયા, છેલાભાઇ ખેગારભાઇ ગરીયા (રહે. ત્રણેય ખીજડીયા, તા.વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૪ ના રોજ વાંકાનેરના વિડીભોજપરા ગામની સીમમાં ફરીયાદીએ આરોપીઓને રામપરા અભ્યારણમા પોતાના માલ-ઢોર ચરાવવાની ના પાડતા તે બાબતનો રોષ રાખી ફરીયાદીની પોતાની કાયદેસરની ફરજમા રૂકાવટ કરી ગાળો આપી ઢીકાપાટુનો મારમારી આરોપીઓેએ લાકડી વડે જમણા પગની ઘુટી ઉપર એક ઘા મારી ફેકચર કરી પહોંચાડી હતી.

આ બનાવ અંગે રામપરા અભ્યારણના કર્મચારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ શખ્સો સામે આઈ.પી.સી. કલમ- ૩૩૩, ૩૨૫, ૩૨૩, ૧૮૬, ૫૦૪, ૧૧૪, જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ વાંકાનેર સીટી પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ. બી.ડી.જાડેજા ચલાવી રહ્યા છે.

આ સમાચારને શેર કરો