ટંકારાના જબલપુરમાં ૭૦ વીઘાનો મગફળીનો ભૂકો બળીને ખાખ, લાખોનું નુકસાન…
ટંકારા: ટંકારા તાલુકાના જબલપુર ગામે ગત મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટનાથી ભારે નુકસાન થયું છે. ગામના પ્લોટ વિસ્તારમાં માલધારી દ્વારા સંગ્રહ કરાયેલો લગભગ ૭૦ વીઘા મગફળીનો ભૂકો (ચારો) આગની લપેટમાં આવી જતાં સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયો હતો.
પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટના મોડી રાત્રે લગભગ ૩ વાગ્યાના સુમારે બની હતી. જબલપુરના રહેવાસી માલધારી રાજુભાઈએ પોતાના પશુઓના ચારા માટે આ મગફળીનો ભૂકો સંગ્રહ કર્યો હતો. જોતજોતામાં આગની જ્વાળાઓ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે લાખો રૂપિયાની કિંમતનો પશુ આહાર બળીને ભસ્મીભૂત થઈ ગયો હતો.
દીવાની જ્યોતથી આગ લાગવાનું અનુમાન
આગ લાગવાનું સંભવિત કારણ પણ સામે આવ્યું છે. સંગ્રહસ્થળની બાજુમાં જ એક નાનું મંદિર આવેલું છે જ્યાં દીવાની જ્યોત પ્રગટાવવામાં આવી હતી. પ્રાથમિક તપાસના આધારે, આ દીવાની જ્યોતમાંથી જ તણખો પડતાં સૂકા ભૂકામાં આગ લાગી હોવાનું અનુમાન છે.
આ ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો ભેગા થયા હતા. ગામના સરપંચ પ્રવીણભાઈ પરમારને જાણ થતાં તેમણે તાત્કાલિક ટંકારા પોલીસ સ્ટેશન અને ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમને જાણ કરી હતી. સમાચાર મળતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. જોકે, ફાયરની ટીમ પહોંચે તે પહેલાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને મોટા ભાગનો ચારો બળીને ખાખ થઈ ગયો હતો.

