પોલીસના બાઇકને ફંગોળી દારૂ ભરેલી ક્રેટા ફિલ્મી ઢબે ફરાર: ધોળા દિવસે ટ્રેક્ટરની ટ્રોલીમાં માલ ઉતારી બુટલેગર છનનન!
વાંકાનેર પોલીસની વોચ વચ્ચે કાર ચાલકનો આતંક; રાણેકપર ગામે 1814 બોટલ દારૂ અને 61 બિયરના ટીન રેઢા મૂકી આરોપી નાસી છૂટ્યો
વાંકાનેર: વાંકાનેર-મોરબી હાઈવે પર વઘાસિયા ટોલનાકા પાસે પોલીસને થાપ આપીને દારૂ ભરેલી ક્રેટા કાર લઈને નાસી છૂટેલા શખ્સે પોલીસ તંત્રને દોડતું કરી દીધું છે. પોલીસના બાઈકને અડફેટે લઈને ફિલ્મી સ્ટાઈલે ભાગેલા કાર ચાલકે રાણેકપર ગામે જાહેરમાં દારૂનો જથ્થો ટ્રેક્ટરની ટ્રોલીમાં ખાલી કરી કાર લઈ પલાયન થઈ જવામાં સફળ રહ્યો છે. આ ઘટનાને પગલે પોલીસની કામગીરી અને ઘટનાક્રમ પર અનેક સવાલો ઉભા થયા છે.
શું હતી સમગ્ર ઘટના?
વાંકાનેર સીટી પોલીસની ટીમ વઘાસિયા ટોલનાકા પાસે ચેકિંગમાં હતી, ત્યારે પોલીસ કર્મચારી વિરેન્દ્રસિંહ ઝાલા, વિશ્વરાજસિંહ ઝાલા અને હિતેન્દ્રસિંહ ઝાલાને બાતમી મળી હતી કે એક સફેદ રંગની ક્રેટા ગાડી (નંબર GJ-36-AP-9297) માં દારૂનો મોટો જથ્થો વાંકાનેર બાઉન્ડ્રીથી મોરબી તરફ જઈ રહ્યો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.
જ્યારે ક્રેટા કાર ટોલનાકા પાસે પહોંચી ત્યારે પોલીસે તેને રોકવાનો ઈશારો કર્યો હતો. પરંતુ બુટલેગરે કાર ઉભી રાખવાને બદલે હંકારી મૂકી હતી. રસ્તો બ્લોક કરવા માટે પોલીસ કર્મચારી હિતેન્દ્રસિંહ ઝાલાએ પોતાનું બાઇક આડું મૂક્યું હતું, જેને પણ જોરદાર ટક્કર મારી બાઇક ફંગોળીને કાર ચાલક રાણેકપર તરફ ભાગ્યો હતો.
મુદ્દામાલની વિગત
પોલીસે પીછો કરીને રાણેકપર ગામની સહકારી મંડળી પાસે પહોંચતા ત્યાં ખુલ્લા પ્લોટમાં પડેલી એક ટ્રેક્ટરની ટ્રોલીમાંથી નીચે મુજબનો જથ્થો મળી આવ્યો હતો:
દારૂની નાની બોટલ: 1814
બિયરના ટીન: 61
કુલ કિંમત: ₹4,85,060
ઉભા થતા વેધક સવાલો
આ કિસ્સામાં પોલીસની ગતિ અને બુટલેગરની હોશિયારી ચર્ચાનો વિષય બની છે:
પોલીસનો પીછો છતાં માલ કેવી રીતે ઉતર્યો? પોલીસ કારનો પીછો કરી રહી હતી, તો કાર ચાલકને 1800થી વધુ બોટલો ઉતારવાનો સમય ક્યાંથી મળ્યો?
ગ્રામજનોની મૌન ભૂમિકા? ધોળા દિવસે ગામની વચ્ચે ટ્રેક્ટરની ટ્રોલીમાં આટલો મોટો જથ્થો ઉતારવામાં આવ્યો છતાં કોઈએ કેમ જોયું નહીં?
કાર ચાલક ક્યાં ગાયબ? દારૂનો જથ્થો ઉતારી દીધા બાદ કાર ચાલક ફરીથી કાર લઈને ગાયબ થઈ ગયો, જે પોલીસ માટે પડકારજનક છે.
હાલમાં વાંકાનેર સીટી પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

