નવા સાદુળકાનો ગુમ થયેલ યુવાનનું મોત : મચ્છુ નદીમાંથી કોહવાયેલી હાલતમાં લાશ મળી
ગત ૧૫મી એપ્રિલથી ગુમ ૨૦ વર્ષીય ચતુર પરમારનો મૃતદેહ મચ્છુ-૩ ડેમ પાસેથી મળી આવતા પરિવારમાં શોક; પોલીસે તપાસ તેજ કરી
મોરબી: મોરબીના નવા સાદુળકા ગામેથી ત્રણ દિવસ પૂર્વે રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલા યુવાનનો કરુણ અંત આવ્યો છે. મચ્છુ નદીના પટમાંથી યુવાનની કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી આવતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

નવા સાદુળકા ગામે રહેતો ૨૦ વર્ષીય ચતુરભાઈ કેશુભાઈ પરમાર ગત તા. ૧૫/૪ ના રોજ બપોરે ૨:૦૦ વાગ્યાના અરસામાં ઘરેથી કોઈને કશું જ કહ્યા વગર નીકળી ગયો હતો. લાંબો સમય વીતવા છતાં ચતુર ઘરે પરત ન ફરતા પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી, પરંતુ તેનો કોઈ પતો લાગ્યો ન હતો. આ અંગે તેના મોટાભાઈ રમેશભાઈ પરમારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે ગુમશુદા નોંધ કરી તપાસ શરૂ કરી હતી.
મચ્છુ નદીમાંથી મળ્યો મૃતદેહ:
દરમિયાન, મોરબી નજીક આવેલા મચ્છુ-૩ ડેમ પાસે નદીના પાણીમાં એક લાશ તરતી હોવાની જાણ થતા તંત્ર અને પરિવારજનો ઘટનાસ્થળે દોડી ગયા હતા. પાણીમાંથી બહાર કઢાયેલો મૃતદેહ ચતુર પરમારનો હોવાની ઓળખ થતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. લાશ પાણીમાં હોવાથી કોહવાઈ ગયેલી હાલતમાં મળી આવી હતી.
મૃતક યુવાનના ભાઈ રમેશભાઈએ આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ કરી છે. પોલીસે મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી, યુવાનનું મોત નદીમાં ડૂબી જવાથી થયું છે કે અન્ય કોઈ કારણોસર, તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ૨૦ વર્ષના જુવાનજોધ દીકરાના મોતે ગામમાં ગમગીની ફેલાવી દીધી છે.

