મોરબી-હળવદ હાઇવે ઉપર નડતરરૂપ મંદિર-દરગાહ સહિતના દબાણ પર બુલડોઝર ફેરવી દીધું…

માંડલ નજીક એક દરગાહ અને મંદિર અને ઘુંટુ પાસે બે મંદિર ઉપરાંત દસેક દુકાનો પણ તોડી પડાઈ…

મોરબી-હળવદ ફોરલેન હાઇવે પ્રોજેક્ટની કામગીરી જોરશોરથી ચાલી રહી છે ત્યારે મોરબીથી માંડલ વચ્ચેના રસ્તાના કામમાં ધાર્મિક દબાણો તેમજ કોમર્શિયલ બાંધકામ નડતરરૂપ હોવાથી મોરબી માર્ગ અને મકાન વિભાગે પોલીસ સહિતના તંત્રને સાથે રાખી 3 મંદિર, એક દરગાહ સહિતના અનેક દબાણો ઉપર બુલડોઝર ફેરવી દીધું હતું.

મોરબી -હળવદ ફોરલેન હાઇવે પ્રોજેક્ટમાં ઉંચી-નીચી માંડલથી લઈ મોરબી સુધીમાં રોડના કામમાં નડતરરૂપ અનેક દબાણો હોવાથી અગાઉ બબ્બે ત્રણ-ત્રણ નોટિસો આપવા છતાં દબાણ દૂર કરવામાં ન આવતા મોરબી માર્ગ અને મકાન વિભાગે ઉંચી-નીચી માંડલથી મોરબી સુધીના ફોરલેન હાઇવે પ્રોજેક્ટમાં નડતર રૂપ દસથી વધુ દબાણો પર બુલડોઝર ફેરવી દીધુ હતું.

આ અંગે મળેલ માહિતી મુજબ માંડલથી મોરબી સુધીના હાઇવે ઉપર માંડલ નજીક એક દરગાહ, એક મંદિર તેમજ ઘુંટુ નજીક હાઈવેને નડતરરૂપ બે મંદિર ઉપરાંત દસેક જેટલી દુકાનો સહિતના દબાણો જુદા-જુદા તંત્ર અને પોલીસને સાથે રાખી હટાવવામાં આવ્યા હતા. મોરબી -હળવદ હાઇવે ઉપરના દબાણ દૂર થતા હવે ફોરલેન હાઇવે પ્રોજેક્ટ ગતિમાન બનશે.

આ સમાચારને શેર કરો