ઉપલેટામાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ, 8 રાઉન્ડ ફાયરિંગ, 3ને ઈજા
ઉપલેટાના પંચહાટડી ચોકમાં આજે વહેલી સવારના જૂની અદાવત અને જમીનના ઝઘડામાં બે જૂથ વચ્ચે 8 રાઉન્ડ ફાયરિંગ થતાં નાસભાગ મચી ગઈ હતી. ફાયરિંગને કારણે દુકાનોનાં શટરો ટપોટપ પડવા લાગ્યાં હતાં. ગેંગવોરની આ ઘટનામાં 3 વ્યક્તિને ઈજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. જોકે, પરિસ્થિતિ વણસે નહીં એ માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આ અંગે મળતી વિગત મુજબ, આજે વહેલી સવારના ઉપલેટામાં પંચહાટડી ચોક વિસ્તારમાં બે ગેંગ સામસામે આવી જતાં પરિસ્થિતિ વણસતાં આડેધડ ફાયરિંગ કરતાં નાસભાગ મચી ગઈ હતી. આ ગોળીબારમાં ત્રણ વ્યક્તિને ઈજા પહોંચી છે, જેમાં એક વ્યક્તિને સામાન્ય ઈજા થતાં પ્રાથમિક સારવાર આપવામાં આવી છે, જ્યારે અન્ય બે વ્યક્તિને શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
જૂની અદાવતને કારણે બોલાચાલી બાદ ગોળીબાર થતાં જાવેદ સંઘવાણી મેમણ, અહમદ અલી સમા અને ઈરફાન લંબાને ગોળી વાગતાં ઉપલેટાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ બનાવની જાણ થતાં પીઆઈ કે.કે. જાડેજા પોલીસકાફલા સાથે પંચહાટડી ચોકમાં દોડી ગયા હતા અને પરિસ્થિતિ બગડે નહીં અને ખોટી અફવાઓ ફેલાય નહીં એ બાબતને ધ્યાનમાં લઈને તાત્કાલિક બજારો બંધ કરાવી દીધા હતા.