skip to content

બે વર્ષની માસૂમ બાળકી પર ત્રણ ખૂંખાર કુતરાએ કર્યો હુમલો: 40થી વધુ બટકાં ભર્યા..

સુરતના ખજોદ વિસ્તારમાં દોઢ વર્ષની બાળકી ઉપર શ્વાન ત્રાટક્યાં હતાં. બાળકી ઉપર એકાએક જ કૂતરાઓએ કરડી લેવાની ઘટના સામે આવી છે. બાળકીને ખૂબ જ ગંભીર ઇજા થઈ છે. જેને હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. એક્સરે કર્યા બાદ તેને સર્જરીમાં મોકલી દેવામાં આવી છે.

ડાયમંડ બુર્સની પાછળ રહેતા કામદારો પૈકી આ પરિવાર પણ રહેતો હતો અને ત્યાં બાળકી ઘર પાસે એકલી જ હતી. દરમિયાન ઘર પાસે ઊભેલી બાળકી ઉપર એકાએક જ 3 શ્વાનોએ ઉપર હુમલો કરી દીધો હતો. બાળકીને 40 કરતાં વધુ બચકાં ભરી લેવાતાં માસૂમની હાલત ગંભીર થઈ ગઈ હતી.

સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર તેજસ ચૌહાણએ જણાવ્યા મુજબ ખજોદ વિસ્તારમાંથી બાળકીને સિવિલ હોસ્પિટલ ખાતે ઇમર્જન્સી વિભાગમાં તેની માતા લઈ આવી હતી. કૂતરાઓએ બાળકીને ખૂબ ગંભીર ઇજાઓ પહોંચાડી છે. શરીર ઉપર 30થી 40 જેટલાં ઈજાનાં નિશાન દેખાઈ રહ્યાં છે. જેમાં ખાસ કરીને માથાના ભાગે, છાતીના ભાગે અને કમરના ભાગે ઇજા વધુ થઈ છે. બાળકીને ઈમર્જન્સી વિભાગમાં કૂતરા કરડવાનાં ઇન્જેક્શન સહિતની સારવાર આપવામાં આવી રહી છે. હાલ તેને સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો