Placeholder canvas

રાજકોટની સ્કૂલોમાં ફૂટ્યો કોરોના બોમ્બ

દિવાળી વેકેશન અને લગ્નસરાની સીઝન પૂર્ણ થતાં જ કોરોના વાયરસે માથું ઉંચકવાનું શરૂ કરી દીધું છે. કોરોનાના વધતાં જતાં સંક્રમણના પગલે રાજકોટ શહેરમાં છેલ્લા ત્રણ જ દિવસમાં 19 કેસ મળતાં હાહાકાર મચી જવા પામ્યો છે. આ બધાની વચ્ચે રાજકોટ શહેરની ચાર શાળાઓના ચાર વિદ્યાર્થી અને એક શિક્ષક કોરોનાગ્રસ્ત થઈ જતાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતાનું મોજું પ્રસરી જવા પામ્યું છે. શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણના વર્ગો શરૂ થતાંની સાથે જ મહામારીએ તરખાટ મચાવવાનું શરૂ કરી દીધું છે. બીજી બાજુ કોરોના કેસ મળતાં અંબિકા ટાઉનશિપ પાસે જીવરાજ પાર્કમાં આવેલી નચિકેતા સ્કૂલ અને યુનિવર્સિટી રોડ પર આવેલી એસ.એન.કે. સ્કૂલ એક સપ્તાહ માટે બંધ કરી દેવામાં આવી છે તો ધુલેશિયા સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોના કોરોના ટેસ્ટીંગનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

રાજકોટની એસ.એન.કે. સ્કૂલના ભાઈ-બહેન, નચિકેતા સ્કૂલમાં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી તેમજ નિર્મલા કોન્વેન્ટ સ્કૂલની એક વિદ્યાર્થિની ઉપરાંત ધુલેશિયા સ્કૂલના શિક્ષક કોરોનાગ્રસ્ત થઈ ગયા છે. કૈલાશધારા પાર્ક, સૌરાષ્ટ્ર કલા કેન્દ્રમાં રહેતાં અને ધુલેશિયા સ્કૂલમાં શિક્ષક તરીકે કાર્યરત 54 વર્ષીય શિક્ષક તાજેતરમાં જ સાસણ-ગીર ફરવા ગયા હતા અને ત્યાં મુંબઈના એક કોરોનાગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવી જતાં તેમની તબિયત પણ બગડી હતી જેથી રિપોર્ટ કરાવવામાં આવતાં તેમને પણ કોરોના હોવાનું નિદાન થતાં હોમ આઈસોલેટ કરીને સારવાર શરૂ કરવામાં આવી છે.

આવી જ રીતે યુનિવર્સિટી રોડ પર આવેલી એસ.એન.કે. સ્કૂલમાં અભ્યાસ કરતાં અને પંચવટી રોડ પર રહેતાં ભાઈ-બહેન જામનગરથી રાજકોટ આવેલા તેના ફૈબાના સંપર્કમાં આવ્યા હોવાનું ખુલ્યું છે. આ બન્ને પરિક્ષા આપવા સ્કૂલે ગયા ત્યારે જ ટેસ્ટીંગ દરમિયાન તેમનો રિપોર્ટ પોઝિટીવ આવતાં સ્કૂલમાં દોડધામ થઈ પડી હતી. આ બન્ને વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવ્યા બાદ કોરોના થયો હોવાનું ખુલતાં તેઓ અન્ય વિદ્યાર્થીઓના સંપર્કમાં આવ્યા હોઈ શકે છે તેવી આશંકાને પગલે સ્કૂલને એક સપ્તાહ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જ્યારે જીવરાજ પાર્કમાં આવેલી નચિકેતા સ્કૂલના ધો.5માં અભ્યાસ કરતું 11 વર્ષના બાળકના પિતાને કોરોના થયા બાદ તેમના સંપર્કમાં આવવાને કારણે તેને પણ કોરોના ‘અડી’ ગયો હોવાનું ખુલતાં વિદ્યાર્થીના ક્લાસમાં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ ઉપરાંત આજુબાજુના ક્લાસના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોના આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેનો રિપોર્ટ નેગેટિવ આવતાં સ્કૂલે હાશકારો અનુભવ્યો છે. જો કે તકેદારીના ભાગરૂપે સ્કૂલને એક સપ્તાહ માટે બંધ કરી દેવામાં આવી છે.

જ્યારે નિર્મલા કોન્વેન્ટ સ્કૂલમાં અભ્યાસ કરતી અને વર્ધમાનનગરમાં રેતી વિદ્યાર્થીના પિતાને કોરોના થયા બાદ તેમનો ચેપ પુત્રીને પણ લાગ્યો હોવાનું ખુલ્યું છે. આ વિદ્યાર્થિની સ્કૂલે નહીં બલ્કે ઘરે રહીને જ ઓનલાઈન અભ્યાસ કરતી હોવાનું બહાર આવ્યું છે. આમ એક જ દિવસમાં ત્રણ શાળાના ચાર વિદ્યાર્થીઓ અને એક સ્કૂલના શિક્ષક કોરોનાગ્રસ્ત થતાં અન્ય સ્કૂલોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે અને યુદ્ધના ધોરણે ટેસ્ટીંગ સહિતની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. બીજી બાજુ તંત્રએ પણ એક્શનમાં આવી જઈ સઘન ચેકિંગ શરૂ કર્યાનું જાણવા મળી રહ્યું છે.

આ સમાચારને શેર કરો