skip to content

કુવાડવા પાસે BHMS ના વિધાર્થીને અજાણ્યું વાહન ઠોકર મારતા મોત

પડધરીનો પરિમલ સોહેલિયા હોસ્પીટલેથી કુવાડવા રૂમ રાખ્યો’તો ત્યાં જતો હતો

રાજકોટ તા.15 મુળ પડધરીનો તાલીમી તબીબ રાજકોટ સીવીલ હોસ્પીટલમાંથી નોકરી પુરી કરી બાઈક લઈ કુવાડવા રૂમ ભાડે રાખ્યો ત્યાં જતો હતો. ત્યારે કુવાડવા ગામ પાસે બાઈકને અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતાં તેનું સારવારમાં મોત નીપજયું હતું. યુવાનનાં મોતથી પરિવારમાં અરેરાટી મચી ગઈ છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, પડધરી ચોરાવાડી શેરીમાં રહેતા પરીમલભાઈ વિજયભાઈ સોહેલીયા (ઉ.વ.21) નામના યુવાનને કુવાડવા ગામ ભગીરથ પેટ્રોલપંપ નજીક કોઈ વાહન ચાલકે હડફેટે લેતાં માથે અને શરીરે ઈજા થતાં અત્રેની સીવીલ હોસ્પીટલે ખસેડવામાં આવતાં ફરજ પરનાં તબીબે મૃતજાહેર કર્યા હતાં.

પરીમલ મૂળ પડધરીનો હાલ કુવાડવા ગામે રૂમ ભાડે રાખીને સરકારી હોસ્પીટલે તબીબી તાલીમ લેતો હતો. પરીમલ બીએચએમએસના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. પોતે બે ભાઈમાં નાના હતાં. પિતાને જનરલ સ્ટોર છે. પરીમલ સીવીલ હોસ્પીટલેથી નોકરી પૂરી કરી બાઈક લઈ ઘરે જતો હતો ત્યારે અજાણ્યા વાહને ઠોકરે લેતા મોત નીપજયું હતું.

આ સમાચારને શેર કરો