નિર્દોષ બાળપણ લોહીલુહાણ: રાજપરની સીમમાં રમકડાની બેટરી ફાટતા ૮ વર્ષનો બાળક ગંભીર રીતે દાઝ્યો
કચરામાં મળેલી વસ્તુ બની કાળ: માસૂમ બાદલના હાથમાં જ થયો પ્રચંડ બ્લાસ્ટ, હાલત નાજુક જણાતા રાજકોટ રિફર
મોરબી: મોરબીના રાજપર ગામની સીમમાં એક ચોંકાવનારી ઘટના બની છે, જ્યાં રમકડાની બેટરી જીવલેણ બોમ્બ સાબિત થઈ છે. વાડી વિસ્તારમાં રમતા શ્રમિક પરિવારના ૮ વર્ષના પુત્રને બેટરીના બ્લાસ્ટને કારણે ગંભીર ઈજાઓ પહોંચતા ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ, મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ રાજપર ગામની સીમમાં ખેતીમજૂરી કરી પરસેવો પાડતા વેરુભાઈનો પુત્ર બાદલ (ઉં.વ. ૮) ઘર પાસે રમી રહ્યો હતો. રમતા-રમતા તેને કચરાના ઢગલામાંથી એક જૂની રમકડાની બેટરી મળી આવી હતી. બાળક આ બેટરીને રમકડું સમજી કુતૂહલવશ તેની સાથે રમી રહ્યો હતો, ત્યારે જ અચાનક વીજળીના વેગે વિસ્ફોટ થયો હતો.
ગંભીર હાલતમાં રાજકોટ રિફર
ધડાકો એટલો ભયાનક હતો કે બાળકના ચહેરા અને હાથના ચામડા ફાટી ગયા હતા. લોહીલુહાણ હાલતમાં માસૂમની ચીસો સાંભળી પરિવાર દોડી આવ્યો હતો. તાત્કાલિક મોરબી સિવિલ હોસ્પિટલ લઈ ગયા બાદ બાળકની સ્થિતિ વધુ જોખમી જણાતા તબીબોએ તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કર્યો છે. હાલ તબીબોની ટીમ બાળકનો જીવ બચાવવા પ્રયાસ કરી રહી છે.
તંત્રની તપાસ
બનાવની ગંભીરતા જોઈ મોરબી તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આ મામલે તપાસ તેજ કરી છે કે એક નાની અમથી બેટરી આટલી ઘાતક કઈ રીતે હોઈ શકે. આ ઘટનાએ વાડી વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારોમાં ભયનો માહોલ પેદા કર્યો છે.

