Placeholder canvas

મોરબી: આપ પ્રમુખ મહેશ રાજ્યગુરુ સહિતના 50 આગેવાનો કોંગ્રેસમાં જોડાયા

મોરબીમાં ચૂંટણી પહેલા જ “આપ”માં ભંગાણ મૂળ કોંગ્રેસી આગેવાનોની ઘર વાપસી

મોરબી : ચૂંટણી આવે એટલે આયા રામ ગયા રામનો સિલસિલો શરૂ થાય આવો જ સિલસિલો મોરબીમાં થયો છે. મોરબીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આડે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે છેલ્લી ઘડીએ આજે મોરબી આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ સહિતના 50થી વધુ આગેવાનો ઘર વાપસી કરીને કોંગ્રેસમાં જોડાય ગયા છે.

મોરબીમાં આજે રાજકીય ઘટનામાં ટંકારા મતવિસ્તારના ધારાસભ્ય લલિતભાઈ કગથરાની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીના મોરબી શહેર પ્રમુખ મહેશ રાજ્યગુરુ તેમજ 50થી વધુ આગેવાનો વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. આપની મોટી ટીમ કોંગ્રેસમાં જોડાતા આગામી પાલિકાની ચૂંટણીમાં નવા જૂની થવાના એંધાણ મળી રહ્યા છે તો કેટલાક કોંગ્રેસીઓમાં કચવાટ પણ જોવા મળી રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી પાલિકાની ગત ચૂંટણીમાં ધોકો પછાડી વિકાસ સમિતિ તરીકે અલગ ચોકો રચી બહુમતી હોવા છતાં કોંગ્રેસને સતાથી અળગી રાખનાર મહેશ રાજ્યગુરુ અને તેમની ટીમ લાંબા સમયથી આમ આદમી પાર્ટી સાથે જોડાઈ ગઈ હતી અને મહેશ રાજ્યગુરુ તો મોરબી શહેર આપ પ્રમુખ તરીકે કાર્યરત હોવાથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતવા રણનીતિ બનાવી રહયા હતા પરંતુ આજે અચાનક જ તેમને આમ આદમી પાર્ટીને અલવિદા કહી કોંગ્રેસ સાથે જોડાણ કરતા પાલિકાની ચૂંટણી પૂર્વે આપ ને ફટકો પડ્યો છે.

આ સમાચારને શેર કરો