Placeholder canvas

તરઘડી પાસે ટ્રેકટર અને કાર વચ્ચેના ભયંકર અકસ્માતમાં 4ના મોત

રાજકોટ નજીક પડધરી તાલુકાના તરઘડી ગામ નજીક ઉમિયા ચાના કારખાના પાસે રાજકોટ-જામનગર હાઇવે પર આજે વહેલી સવારે ટ્રેકટર અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા રાજકોટના બે યુવાન સહિત ચારના મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળેલી માહિતી મુજબ આજે સવારે નવેક વાગ્યા આસપાસ રાજકોટ-જામનગર હાઇવે પર તરઘડી પાસે કાર અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાતા કાર ચાલક હિમાંશુ પ્રવિણભાઇ પરમાર (ઉ.વ.32, રહે. ઠેબા ચોકડી, જામનગર) કારમાં ચાલકની બાજુની સીટમાં બેઠેલ અજય પ્રવિણભાઇ જોષી (ઉ.વ.ર8, રહે. રાજકોટ) કારમાં પાછળની સીટમાં બેસેલ અજય છગનભાઇ પરમાર (ઉ.વ.20, રહે. કાલાવડ રોડ, આંબેડકરનગર, રાજકોટ) અને ટ્રેકટર ચાલક ખેડુત કિરીટભાઇ લીંબાભાઇ ડોબરીયા (ઉ.વ.40, રહે. ફતેપરા ગામ તા. પડધરી)નું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજયા હતા.

આ બનાવના પગલે પડધરી પોલીસના મહિલા પીએસઆઇ એમ.ડી.મકવાણા, હેડ કોન્સ્ટેબલ વિજયભાઇ દાફડા અને કોન્સ્ટેબલ કુલદીપસિંહ ઝાલા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પડધરી હોસ્પિટલે ખસેડીને મૃતકોના પરિવારને જાણ કરી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો બુકડો બોલી ગયો હતો, ટે્રકટર ટ્રોલીથી નોખુ પડી ગયું હતું. ટ્રેકટરના વ્હીલ પણ નીકળી ગયા હતા. ખેડુત કિરીટભાઇ ટ્રેકટર નીચે દબાઇ જતા દમ તોડી દીધો હતો. બનાવના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે. કાર સવાર ત્રણેય મિત્રો જામનગર જતા હોવાનું જાણવા મળેલ…

આ સમાચારને શેર કરો