2020ના છેલ્લા દિવસે રાજકોટ એઇમ્સનું મોદી ખાતમુહૂર્ત કરશે

એઇમ્સ સાઈટ ખાતે સમારોહ યોજી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વર્ચ્યુઅલી ખાતમુહૂર્તની તૈયારીઓ શરૂ કરવા પીએમઓમાંથી મૌખીક સૂચના આપી હોવાના સંકેત

રાજકોટ: ગુજરાત રાજ્યની પ્રથમ એઇમ્સ કેન્દ્ર સરકારે રાજકોટને આપી છે. રાજકોટ જિલ્લા વહીવટી તંત્રએ જામનગર રોડ પર એઇમ્સ હોસ્પિટલ માટે 200 એકર સરકારી જમીનની ફાળવણી કરી દીધી છે. હાલમાં જમીન સમથળ અને કમ્પાઉન્ડ વોલ બાંધવાનું કામ ચાલી રહ્યું છે. એઇમ્સ બિલ્ડીંગના બાંધકામ કરતા પૂર્વે તેનું વર્ચ્યુઅલી ખાતમુહુર્ત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આગામી 31 ડીસેમ્બરના રોજ યોજવામાં આવે તે મુજબની તૈયારી્ઓ કરવા રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્રને પીએમઓમાંથી સુચના આપવામાં આવી હોવાનું અધિક નિવાસી કલેક્ટર પરિમલ પંડયાએ જણાવ્યું હતું.

રાજકોટના જામનગર રોડ પર રાજ્યની પ્રથમ એઇમ્સ ઉભી કરવા માટે તડામાર તૈયારીઓ શરુ કરવામાં આવી છે. સરકારી 200 એકર જમીનમાં એઇમ્સના 19 બિલ્ડીંગો ઉભી થનાર છે જે પૈકીના 12 પ્લાનને રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટીએ મ્ંજૂર કરી દીધા છે. બિલ્ડીંગના બાંધકામ પૂર્વે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 2020ના છેલ્લા દિવસે એટલે કે આગામી તા. 31 ડીસેમ્બરે વર્ચ્યુઅલી ખાતમુહુર્ત કરશે તે સંદર્ભની જાણકારી મૌખીક રીતે વડાપ્રધાન કાર્યાલયથી રાજકોટ જિલ્લા વહીવટી તંત્રને કરવામાં આવી છે જે સંદર્ભની તૈયારી શરુ કરવામાં આવી રહી છે.

જામનગર રોડ પર એઇમ્સ બિલ્ડીંગ ઉભુ કરવા માટે એઇમ્સ સતાવાળાઓ દ્વારા તમામ કાર્યવાહીઓ ઝડપી કરવામાં આવી છે. મંજુર કરવામાં આવેલા 12 પ્લાનમાં મોટાભાગે રેસીડેન્ટ કોલોની, ડાયરેક્ટર બંગલો, નર્સિંગ ક્વાર્ટર સહિતનાનો સમાવેશ થાય છે જ્યારે એઇમ્સ હોસ્પિટલના મુખ્ય બિલ્ડીંગના પ્લાનની ચકાસણી હાલ રુડા દ્વારા કરવામાં આવી રહી છે. ચાલુ માસના અંત પહેલા એઇમ્સના બાકી રહેલા અન્ય 7 પ્લાનોને પણ રુડા ઓથોરીટી દ્વારા મંજુર કરી દેવામાં આવશે. રુડાને એઇમ્સ દ્વારા ભરવાની થકી વિકાસ પરવાનગી 50 ટકા માફ કરવામાં આવી છે. એઇમ્સ ઓથોરીટીએ 1.18 કરોડની ભરવાની છે. જેનુ પેમેન્ટ મોટાભાગે સોમવાર સુધીમાં કરી દેવામાં આવશે એવું એઇમ્સના ડાયરેક્ટર શ્રમદીપસિંહ સિંહાએ પત્રકારોને જણાવતા ઉમેર્યું હતું કે વડાપ્રધાનના 31 ડીસેમ્બરના કાર્યક્રમની તૈયારી કરવા સુચના આપવામાં આવી છે. આ સંદર્ભે વહીવટી તંત્ર સાથે વાતચીત કરી લેવામાં આવી હોવાનું અને સોમવારે મહત્વની બેઠક કરવામાં આવશે.

દરમિયાન એઇમ્સ ઓથોરીટી દ્વારા 31 ડીસેમ્બરે વડાપ્રધાનના હસ્તે એઇમ્સ હોસ્પિટલનું વર્ચ્યુઅલી ખાતમુહુર્ત કરવામાં આવ્યા બાદ માર્ચ 2022 સુધીમાં એઇમ્સ તૈયાર કરી દેવામાં આવે તે રીતની કામગીરી શરુ કરવામાં આવશે. એઇમ્સના તમામ બિલ્ડીંગોના બાંધકામ ખાતમુહુર્ત કરાયા બાદ શરુ કરવામાં આવશે જે માટેની બાંધકામ એજન્સીઓને કામ સોંપવાની હાલમાં તૈયારી ચાલી રહી છે. એઇમ્સ સુધી પહોંચવા માટે જામનગર રોડથી એક નવો રસ્તો તાબડતોબ તૈયાર કરવામાં આવશે અને ખંઢેરીથી 10 મીટરનો નવો રોડ તૈયાર કરવામાં આવનાર છે. જ્યારે બીજી તરફ ગુજરાત રાજ્યનો પ્રથમ 90 મીટરનો પ્રથમ રોડ માલીયાસણથી એઇમ્સ સુધીનો તૈયાર કરવાની રુડા દ્વારા કામગીરી ઝડપી કરવામાં આવી છે. આ રોડ માટેનું જમીન સંપાદન કરી લેવામાં આવ્યું છે. ટૂંંક સમયમાં આ રોડનું મેટલીંગ અને ત્યારબાદ પેવર ફીનીશીંગનું કામ કરવામાં આવશે. એઇમ્સના વર્ચ્યુઅલી ખાતમુહુર્ત સંદર્ભે રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા પણ ગુજરાત રાજ્ય સરકાર સાથે પરામર્શ કરવામાં આવી રહ્યો છે. આ પૂર્વે વડાપ્રધાન રાજકોટ આવીને એઇમ્સનું ખાતમુહુર્ત કરે તેવું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ હવે નવા કાર્યક્રમ મુજબ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દિલ્હીથી એઇમ્સનું ખાતમુહુર્ત વર્ચ્યુઅલી કરશે અને આ માટે થઇને એઇમ્સની સાઇટ પર સરકારી ગાઈડલાઈન મુજબ એક નાનકડો કાર્યક્રમ યોજવામાં આવશે અને આ સંદર્ભના કાર્યક્રમ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારી શરુ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •