જામનગર-રાજકોટ વચ્ચે ટ્રેનના કોચમાં ક્રાઇમ બ્રાન્ચના નિવૃત એએસઆઈ ઉપર ત્રણ બુકાનીધારી શખ્સોએ ફાયર સિલિન્ડરથી હુમલો કરી પરવાના વળી રિવોલ્વર અને બે મોબાઈલની લૂંટ ચલાવી નાશી છૂટતા રેલવે પોલીસ દોડતી થઇ છે. હુમલામાં ઘવાયેલા નિવૃત એએસઆઈને સારવાર માટે રાજકોટ સિવિલમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. નિવૃત એએસઆઈ જામનગરથી અમદાવાદ હાઇકોર્ટમાં તારીખમાં જતા હતા ત્યારે આજે વહેલી સવારે આ લૂંટની ઘટના બની હતી.
ફાયર સિલિન્ડરથી હુમલો કર્યો
પ્રાપ્ત વિગત મુજબ જામનગરમાં જી.જી. હોસ્પિટલ પાસે રહેતા નિવૃત એએસઆઈ ધર્મેન્દ્રસિંહ અનોપસિંહ જાડેજા (ઉ.વ.77)ના આજે વહેલી સવારે જામનગરથી અમદાવાદ જવા માટે ઇન્ટરસીટી ટ્રેનમાં બેઠા હતા. ત્યારે આજે વહેલી સવારે પાંચેક વાગ્યે પડધરી નજીક ટ્રેનના કોચમાં ત્રણ બુકાનીધારીઓએ લૂંટના ઇરાદે ઝપાઝપી કરી ટ્રેનમાં રહેલું ફાયર સિલિન્ડર કાઢી તેના વડે હુમલો કર્યો હતો. હુમલાખોરોએ નિવૃત એએસઆઇની કવરમાં રાખેલી પરવાના વાળી રિવોલ્વર અને બે મોબાઈલની લૂંટ ચલાવી નાશી છૂટ્યા હતા. દેકારો થતા બીજા કોચમાં બેઠેલા લોકો દોડીને આવ્યા હતા. દરમિયાન પ્રૌઢને માથા સહિતના શરીરના ભાગે ઈજાઓ થવાથી લોહી લુહાણહાલતમાં જોઈ તાકીદે પોલીસને જાણ કરતા 108 મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે રેલવે પોલીસને જાણ કરી હતી.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવી 18 વર્ષ પૂર્વે નિવૃત થયા
ધર્મેન્દ્રસિંહ બે ભાઈ ચાર બહેનમાં વચેટ છે, તેઓ છેલ્લે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવી 18 વર્ષ પૂર્વે નિવૃત થયા હતા. આજે હાઇકોર્ટમાં તારીખ હોવાથી વહેલી સવારે જામનગર-વડોદરા ઇન્ટરસીટી ટ્રેનમાં અમદાવાદ જવા નીકળ્યા હતા ત્યારે પડધરી-રાજકોટ વચ્ચે વહેલી સવારે બનાવ બન્યો હતો. બનાવની જાણ થતા પરિવારજનો પણ રાજકોટ સિવિલ હોસ્પિટલે પહોંચ્યા હતા. પોલીસે અજાણ્યા હિંદીભાસી બુકાનીધારી શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
