વાંકાનેરમાં મોરબી જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી…

વાંકાનેર : મોરબીના વાંકાનેરમાં આવેલ અમરસિંહજી હાઈસ્કૂલ ખાતે 76 માં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની અનેરા ઉત્સાહ સાથેની ઉજવણી કરવામાં આવી હતી. મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીએ ધ્વજવંદન કરી તિરંગો લહેરાવ્યો હતો તથા પરેડનું નિરીક્ષણ કર્યું હતું. અને ઉદબોધન કર્યું હતું.
આ ઉજવણીમાં બી.આર. જાડેજાના નેતૃત્વમાં પુરૂષ પોલીસ પ્લાટુન, એન.બી. સરવૈયાના નેતૃત્વમાં પુરૂષ પોલીસ પ્લાટુન, એન. ડી. ડાંગરના નેતૃત્વમાં મહિલા પોલીસ પ્લાટુન, ડી.જી. પંડ્યાના નેતૃત્વમાં હોમ ગાર્ડ પ્લાટુનના પોલીસના જવાનોએ પરેડ યોજી ત્રિરંગાને સલામી આપી માર્ચ પાસ્ટ કર્યું હતું. પોલીસ જવાન ભરતભાઈ વાંક દ્વારા ડોગ શો રજૂ કરવામાં આવ્યો હતો.
ગુજરાત ગૌરવ ગરબા, એક તેરા નામ, યોગા પર્ફોર્મન્સ, મેરે ભારત કી બેટી, લેરી લાલા, પિરામિડ અને ઝાંસી કી રાની સહિતના દેશ પ્રેમ અને ગુજરાતની ગરિમાને પ્રદર્શિત કરતા સાંસ્કૃતિક કાર્યક્રમોએ ઉપસ્થિત સૌને દેશ ભક્તિથી તરબોળ કર્યા હતા. ઉપરાંત આ તકે રાષ્ટ્રીય/રાજ્ય કક્ષાએ અનેક ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓ અને મહાનુભાવો, જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓનું કલેક્ટરના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે સર્વે ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ પણ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કૌશિક સોની દ્વારા કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી, રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા, વાંકાનેર કુવાડવા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને હળવદ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, અગ્રણીઓ, જિલ્લાના પદાધિકારી/અધિકારીઓ, પોલીસના જવાનો, જિલ્લા તેમજ વાંકાનેરના નાગરિકો તથા વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.



