Placeholder canvas

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 25 દર્દીઓને દવાની થઈ આડઅસર…

રાજકોટ: બેદરકારીથી હંમેશા વિવાદમાં રહેતી રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એક વાર ચર્ચામાં આવી છે. અગાઉ સમરસના કોવિડ કેર સેન્ટર અને સિવિલમાં મ્યૂકરના દર્દીઓને ઈન્જેકશનથી આડ અસર થઈ હતી. ત્યારે ગઇકાલે છઠ્ઠા માળે આવેલા સર્જીકલ વોર્ડમાં 25 જેટલા દર્દીઓને દવાની આડઅસર થઈ હોવાનું ફરિયાદો ઉઠતા હોબાળો મચી ગયો હતો.

તત્કાળ આ દર્દીઓને આડઅસર ખાળતી દવાઓ અપાઈ હતી, આ મામલે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો.રાધેશ્યામ ત્રિવેદીએ એડીઆર કમિટીને તપાસ સોંપી છે અને ઝડપી રિપોર્ટ આપવા આદેશ કર્યો છે. બનાવની પ્રાપ્ત વિગત મુજબ સર્જીકલ વોર્ડમાં સર્જરી માટે દાખલ થયેલા દર્દીઓને બાટલા ચડાવી ઈન્જેકશન આપ્યા બાદ અચાનક રાયગર એટલે કે ઠંડી ચડવા લાગ્યાની સામુહિક ફરિયાદો ઉઠી હતી. પ્રથમ એકલ – દોકલ ફરિયાદ ઉપર હાજર સ્ટાફે ધ્યાન આપ્યું નહોતું બાદમાં 25 દર્દીઓએ ઠંડી ચડી ગઈ હોવાની રાવ કરતા અને દર્દીઓના સ્વજનો એકત્ર થઈ જતા હોબાળો મચી ગયો હતો અને અત્યાર સુધી જે સ્ટાફ આ ફરિયાદને નજર અંદાજ કરી રહ્યો હતો તે સ્ટાફ દોડતો થઈ ગયો હતો. થોડો સમય સુધી ફરિયાદો ઉઠતી જ રહી હતી ત્યારબાદ તબીબી સ્ટાફને દોડધામ થઈ પડી હતી.

આ બનાવ બનતાની જાણ થતાં જ નિષ્ણાંત ડોકટરોની ટીમો દોડી ગઈ હતી, હાજર નર્સિંગ – તબીબી સ્ટાફે તત્કાળ આવા દર્દીઓને એન્ટીડોટ સાથે રિએકશન ખાળતી દવાઓ આપી હતી જેથી કોઈને ગંભીર આડઅસર થઈ નહોતી. હવે આ તમામ દર્દીઓની હાલત ખતરાની બહાર હોવાનુ સિવિલ સુપ્રિટેન્ડેન્ટએ જણાવ્યું હતું. હોસ્પિટલના સુત્રોમાંથી જાણવા મળ્યું છે કે, રવિવારે સવારે રૂટીનમાં તબીબોએ સર્જીકલ વોર્ડમાં જઈ દર્દીઓની તબિયત ચકાસી હતી અને બાટલા ચડાવવા તેમજ ઈન્જેકશનો આપવા સુચના આપી હતી.

દર્દીઓને અલગ અલગ ઓપરેશન માટે દવા ઈન્જેકશન આપ્યા બાદ 15 મિનીટ પછી એક પછી એક દર્દીઓ ઠંડી ચડવા લાગ્યાની ફરિયાદો કરવા લાગ્યા હતા. જેથી ડોકટરો દોડી આવ્યા હતા અને દર્દીઓની પલ્સ ચકાસી કઈક ગરબડ જણાઈ હતી અને વધુ સિનિયર તબીબોને બોલાવીને દર્દીઓની તબીયત અંગે જાણ કરાતા સિનિયર તબીબે રિએશન હોવાનું નિદાન કરી એન્ટીડોટ સારવાર શરૂ કરાવી હતી.

સાધનો – દવાઓ સીલ કરાયા
આ બનાવમાં દર્દીઓને જે દવા અપાઈ હતી તે અને સીરીઝ, ઇજેક્શન, બાટલો ચડાવવાનો આઈ.વી. સેટ વગેરે તબીબી સાધનો સીલ કરાયા છે હવે તપાસ કમિટી તેની ચકાસણી કરશે અને આડ અસર કઈ રીતે થઈ તે જાણવા પ્રયત્ન કરશે.

આ સમાચારને શેર કરો