વાંકાનેરમાં 20માં “ગેલેક્સી એવોર્ડ”માં 250થી વધુ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ અને કર્મચારીઓનું સન્માન કરાયું.
વાંકાનેર : ગેલેક્સી ચેરિટેબલ ટ્રસ્ટ અને ગેલેક્સી ક્રેડિટ કો. ઓ. સોસાયટી દ્વારા છેલ્લા બે દાયકાથી ચાલુ પ્રતિભા સન્માનની પરંપરા અંતર્ગત, આ વર્ષે “20મો ગેલેક્સી એવોર્ડ ફંક્શન – 2025” ભવ્ય રીતે યોજાયો. કાર્યક્રમ વાંકાનેરના ગેલેક્સી હોલ ખાતે રવિવારના રોજ યોજાયો હતો, જેમાં કુલ 250થી વધુ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ, સરકારી નોકરી મેળવનાર કર્મચારીઓ તેમજ વિશેષ સિદ્ધિ હાંસલ કરનારી વ્યક્તિઓને માનપત્ર અને સન્માનચિહ્ન અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય મોહમ્મદ જાવેદ પીરઝાદા અને અધ્યક્ષ ઈરફાન પીરઝાદા સહિતના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનો પોતાના સંબોધનમાં જણાવ્યું કે – “મોમીન સમાજના યુવાનો શિક્ષણ અને મહેનતના માર્ગે સતત આગળ વધી રહ્યા છે, જે આખા સમાજ માટે ગૌરવની બાબત છે.”

કાર્યક્રમમાં સમાજના આગેવાનો, શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. “ગેલેક્સી એવોર્ડ ફંક્શન” વાંકાનેર પંથકમાં પ્રતિભાશાળીઓને પ્રોત્સાહન આપવા માટે છેલ્લા 20 વર્ષથી અગ્રણી મંચ તરીકે પ્રસ્થાપીત થયું છે.

આ વર્ષે વિશેષરૂપે “ગેલેક્સી પ્રતિભા બુકલેટ – 2025” નું પણ વિમોચન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું, જેમાં સન્માનિત તમામ પ્રતિભાશાળીઓની સિદ્ધિઓનું સરસ સંકલન કરવામાં આવ્યુ છે.

