જુના બસ સ્ટેશન પરથી ગભરાયેલી હાલતમાં મળી આવેલી બંને કિશોરીઓનું કાઉન્સેલિંગ કરી સુરક્ષિત રીતે પરિવારને સોંપાઈ
મોરબી: મહિલાઓની સુરક્ષા માટે કાર્યરત 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમે મોરબીમાં ઘરેથી નીકળી ગયેલી બે સગી બહેનોને ગણતરીના કલાકોમાં શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.
ગત તા. 7 સપ્ટેમ્બરના રોજ એક જાગૃત નાગરિકે 181 અભયમ હેલ્પલાઇન પર જાણ કરી હતી કે મોરબીના જુના બસ સ્ટેશન ખાતે બે કિશોરીઓ છેલ્લા કેટલાક સમયથી એકલી બેઠી છે અને ગભરાયેલી હાલતમાં છે. માહિતી મળતા કાઉન્સેલર જાગૃતિ ભુવા, મહિલા કોન્સ્ટેબલ શારદાબેન તથા પાયલોટ વિરમભાઈ જીડ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા.
ટીમે બંને કિશોરીઓને સાંત્વના આપી કાઉન્સેલિંગ કરતાં તેમણે જણાવ્યું હતું કે માતાના બીજા લગ્નને આઠ વર્ષ થયા છે અને તેઓ ત્રણ બહેનો છે. પરિવાર હાલ મોરબીની એક ટાઇલ્સ કંપનીમાં રહે છે. કિશોરીઓના જણાવ્યા મુજબ સાવકા પિતા નશાની હાલતમાં અવારનવાર મારઝૂડ કરતા, અપશબ્દો બોલતા અને ઘરખર્ચ માટે પૈસા પણ આપતા ન હતા. આ પરિસ્થિતિથી કંટાળીને બંને બહેનો સવારે રસોઈ બનાવ્યા બાદ કોઈને જાણ કર્યા વિના ઘરેથી નીકળી ગઈ હતી.
બંને કિશોરીઓને પિતાનો સંપર્ક નંબર કે કંપનીનું ચોક્કસ સરનામું યાદ ન હોવાથી 181 ટીમે તપાસ અને પ્રયત્નો બાદ તેમના પિતાનો સંપર્ક કર્યો હતો. જરૂરી આધાર-પુરાવાની ચકાસણી કર્યા બાદ ટીમ કંપની ખાતે પહોંચી હતી.
આ દરમિયાન 181 ટીમે પિતાને કાયદાકીય સમજ આપી હતી અને ભવિષ્યમાં દીકરીઓ સાથે મારઝૂડ કે અયોગ્ય વર્તન ન કરવા તેમજ તેમના શિક્ષણ અને સુરક્ષાનું ધ્યાન રાખવા કડક સૂચના આપી હતી.
સમગ્ર પ્રક્રિયા બાદ બંને કિશોરીઓને સુરક્ષિત રીતે પરિવારને સોંપવામાં આવી હતી. પરિવારે 181 અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
