મોરબીમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા: વાવડી રોડ પર ૧૬ વર્ષના સગીર પર અજાણ્યા શખ્સનો છરીથી હુમલો
ગોકુલ પાર્ટી પ્લોટ પાસે બનેલી ઘટનાથી ફફડાટ: સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો, પોલીસે તપાસ હાથ ધરી
મોરબી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ એક પછી એક ગુનાહિત ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આજે વાવડી રોડ પર આવેલ ગોકુલ પાર્ટી પ્લોટ પાસે એક અજાણ્યા શખ્સે ૧૬ વર્ષના સગીર બાળક પર છરી વડે હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કર્યાની સનસનાટીભરી ઘટના સામે આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ વાવડી રોડ પર આવેલ સંસ્કાર હાઈટ્સ ખાતે રહેતો વકારઅહેમદ જાવીદભાઈ (ઉ.વ. ૧૬) નામનો સગીર ગોકુલ પાર્ટી પ્લોટ નજીકથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે કોઈ અજાણ્યા શખ્સે અકારણ જ સગીર પર છરી વડે હુમલો કરી તેને ઈજા પહોંચાડી હતી.
ઘટના બાદ ઈજા પામેલા સગીરને તાત્કાલિક સારવાર અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. બનાવ અંગે હોસ્પિટલ તરફથી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ ફુલતરીયા ચલાવી રહ્યા છે. સગીર બાળક પર હુમલો કરનાર અજાણ્યો શખ્સ કોણ હતો? અને કયા કારણોસર હુમલો કરવામાં આવ્યો? તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. શહેરમાં ભરબપોરે સગીર પર છરીથી હુમલાની ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.

