Placeholder canvas

વડોદરા, સુરત અને સુરેન્દ્રનગરમાં ગોઝારા અકસ્માતમાં 15નાં મોત, 38થી વધુને ઈજા.

આજે વહેલી સવારમાં રાજ્યમાં અકસ્માતની ત્રણ મોટી ઘટના ઘટી છે. વડોદરા, સુરત અને સુરેન્દ્રનગર હાઈવે પર ગોઝારા અકસ્માત સર્જાયા છે, જેમાં કુલ 15 લોકોનાં મોત તેમજ 38થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ત્રણેય અકસ્માતમાં સૌથી ગંભીર અકસ્માત વડોદરા નેશનલ હાઈવે પર સર્જાયો છે, જેમાં 5 મહિલા સહિત 11 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, ત્યારે અન્યને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. ત્યાર બાદ સુરેન્દ્રનગરમાં પણ કાર ઝાડ સાથે અથડાતાં 4 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે. સુરત અકસ્માતમાં હજુ સુધી મોતના કોઈ સમાચાર સામે આવ્યા નથી, પરંતુ 108 દ્વારા તમામને સારવાર હેઠળ લઈ જવાયા છે.

વડોદરા:
વડોદરા નેશનલ હાઇવે ઉપર વાઘોડિયા ચોકડી બ્રિજ પર વહેલી સવારે 4 વાગે સુરતથી પાવાગઢ દર્શને જઈ રહેલા આઇશર અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં આઇશર ટેમ્પો ટ્રેલરની પાછળ ઘૂસી ગયો હતો. આ ઘટનામાં 15 લોકો ફસાઇ ગયા હતા. તમામને ફાયરબ્રિગેડ દ્વારા બહાર કાઢી સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં 10 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 17 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. હાઇવે ઉપર ટ્રાફિકજામ થઇ ગયો હતો.

સુરેન્દ્રનગર:
આજે વહેલી સવારે સુરેન્દ્રનગર લખતર રોડ પર કાર ઝાડ સાથે અથડાતાં ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં છે. ગંભીર અકસ્માતમાં લખતર ગામના કુંભાર પરિવારના ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં. મૃતકમાં ત્રણ સ્ત્રી અને એક પુરુષનો સમાવેશ થાય છે. મૃતક કુંભાર પરિવાર ભગુડા મોગલધામ મંદિરથી દર્શન કરી પરત ફરી રહ્યો હતો ત્યારે કોઠારિયા ગામ પાસે ડ્રાઈવરને ઝોકું આવી જતાં અથવા સામે વાહનની લાઈટ પડતાં કાર ઝાડ સાથે અથડાતાં ઘટનાસ્થળે જ ચાર લોકોનાં મોત થયાં હતાં, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે, જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

સુરત:
સુરતના બારડોલી દસ્તાન ફાટક પાસે પણ વહેલી સવારે 6 વાગે બે ખાનગી ટ્રાવેલર્સ બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં હજુ કોઇપણ મોતના સમાચાર સામે આવ્યા નથી, જ્યારે 20થી ઈજાગ્રસ્તોને 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસ તેમજ 108ની 8 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે આવી પહોંચી ગઈ હતી. બંને બસમાં બેઠેલા મુસાફરોની ચિચયારી સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા. લોકોની ભીડ વચ્ચે મુસાફરોને બસોમાંથી બહાર કઢાયા તેમજ હોસ્પિટલ ખસેડાયા હતા.

આ સમાચારને શેર કરો