મોરબી

મોરબી: સરવડ ગામે SOGનો દરોડો, રહેણાંક મકાનના ફળિયામાંથી ગાંજાના 13 છોડ ઝડપાયા

મોરબી: મોરબી જિલ્લામાં માદક પદાર્થોના વેચાણ અને સેવનની પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પોલીસ ટીમે કડક કાર્યવાહી કરી છે. બાતમીના આધારે SOG ટીમે માળીયા મિયાણા તાલુકાના સરવડ ગામે દરોડો પાડીને રહેણાંક મકાનના ફળિયામાં વાવેલો ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી SOG ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે, માળીયા મિયાણા તાલુકાના સરવડ ગામે સ્વામિનારાયણ મંદિર વાળી શેરીમાં રહેતા પ્રવીણભાઈ મગનભાઈ પટેલ નામના શખ્સે પોતાના ઘરના ફળિયામાં ગાંજાનું વાવેતર કર્યું છે.

આ બાતમીના આધારે SOG ટીમે તુરંત જ દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન આરોપી પ્રવીણભાઈ પટેલના ઘરમાંથી ગાંજાના 13 લીલાછોડ મળી આવ્યા હતા. પોલીસે આ છોડનો કબજો લીધો હતો, જેનું વજન 3.350 કિલોગ્રામ અને તેની કિંમત રૂપિયા 33,500 આંકવામાં આવી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે પકડાયેલ આરોપી પ્રવીણભાઈ પટેલ ડ્રાઇવિંગનો વ્યવસાય કરે છે.

ગાંજાના આ ગેરકાયદેસર વાવેતર મામલે SOG ટીમે આરોપી પ્રવીણભાઈ પટેલની ધરપકડ કરીને તેની વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ મથકમાં નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે અને કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો