પાણીની સતત આવકને પગલે મચ્છુ-૨ ડેમના ૧૨ દરવાજા ૧૦ ફૂટ ખોલાયા, ૭૬,૩૦૮ ક્યુસેક પાણી છોડાશે; ૩૨ ગામોને એલર્ટ
મોરબી: ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદને કારણે પાણીની આવક યથાવત રહેતાં મોરબીનો મચ્છુ-૨ ડેમ તેની ૧૦૦ ટકા સંગ્રહ ક્ષમતાથી ભરાઈ ગયો છે. વધતી આવકને પગલે અગાઉ બપોરે ૨ વાગ્યે ડેમના ૧૦ દરવાજા ૧૦ ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા. જોકે, પાણીની આવકમાં સતત વધારો થતાં વધુ બે દરવાજા ખોલવાની ફરજ પડતાં હવે ડેમના ૧૨ દરવાજા ૧૦ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે.
હાલ ડેમમાંથી અંદાજે ૭૬,૩૦૮ ક્યુસેક પાણી નદીના પટમાં છોડવામાં આવી રહ્યું છે. પાણીના વધતા પ્રવાહને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદીકાંઠાના અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવતાં મોરબી તાલુકાના જોધપર, લીલાપર, ભડિયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળીયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર (નદી), ગુંગણ, નારણકા, બહાદુરગઢ, નવા નાગડાવાસ, જુના નાગડાવાસ, સોખડા, અમરનગર, મોરબી અને વજેપર સહિત ૨૨ ગામો તેમજ માળિયા તાલુકાના વીરવિદરકા, દેરાળા, નવાગામ, મેઘપર, હરીપર, મહેન્દ્રગઢ, ફતેપર, સોનગઢ, માળિયા (મી.) અને રાસંગપર સહિત ૧૦ ગામોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
જિલ્લા વહીવટી તંત્રએ અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને નદીના પટમાં જવાનું ટાળવા, નીચાણવાળા વિસ્તારોમાંથી જરૂરી હોય ત્યાં સુરક્ષિત સ્થળે ખસી જવા તેમજ તંત્રની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી છે.


